કેન્દ્ર સરકારે ચૂંટણી પંચમાં નિમણૂકોના નિયમોમાં ફેરફાર કરી લોકશાહીને નબળી પાડીઃ શક્તિસિંહ
- ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયામાં ચીફ જસ્ટિસના સ્થાને ભાજપના મંત્રીને સ્થાન અપાયુ,
- કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ ના નારા સાથે કેમ્પિયનનો પ્રારંભ,
- ભાવનગરના વિકાસ માટે માત્ર જાહેરાતો થાય છે, પણ કામો થતાં નથી
ભાવનગરઃ કેન્દ્ર સરકારે ચૂંટણી પંચમાં કમિશનરોની નિમણૂક માટે કાયદામાં ફેરફાર કરીને લોકશાહીને નબળી પાડી છે. અગાઉ ચીફ જસ્ટિસનું સ્થાન પસંદગી કમિટીમાં હતુ તેને દૂર કરવામાં આવ્યુ હતુ. તેમ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ભાવનગરમાં યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયામાં ફેરફાર કરીને ચીફ જસ્ટિસના સ્થાને ભાજપના મંત્રીને સ્થાન આપ્યું છે. આ પગલું લોકશાહીને નબળું પાડવા અને વિરોધ પક્ષનો અવાજ દબાવવાના પ્રયત્ન તરીકે ગણાવ્યો હતો.તેમણે આક્ષેપ કર્યો હતો કે, દેશમાં અનેક જગ્યાએ મતદારોના મતોમાં ગેરવહીવટ અને ફેરફાર થઈ રહ્યા છે. આથી લોકશાહી બચાવવા માટે દેશભરમાં વિશાળ ઝુંબેશ ચલાવવાની જાહેરાત તેમણે હતી.
ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. જ્યાં આવનારી ચૂંટણી માટે મતદારોના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાની રણનીતિ પર ચર્ચા કરી હતી આ સાથે જ વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે કેમ્પિયન ભાવનગર શહેર અને જિલ્લામાં શરૂ કરવા માટેની યોજના બાબતે પણ રણનીતિ નક્કી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયા બદલી છે આ નિર્ણય લોકશાહીના હિતમાં નથી અમે દેશભરમાં ઝુંબેશ ચલાવીશું કે મતદારોના મત સાચી જગ્યાએ પડે અને લોકશાહી મજબૂત બને તેની વાત કરી હતી
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, થોડા દિવસ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવ્યા હતા. ભાવનગર શહેર કે જિલ્લામાં કશું બદલાયું નથી સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો તો કરવામાં આવે છે પરંતુ તેની અમલ વારી થતી નથી અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કલ્પસર યોજના હોય કે પછી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક તેમજ અલંગ ખાતે શિપ બિલ્ડીંગ બનાવવાની કે પછી આલ્કોક એસડાઉન જેવી શીપ બનાવતી સરકારી ઇન્ડસ્ટ્રીયલ હોય આ તમામ જાહેરાતો ભાવનગર માટે થઈ હતી. પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી. તેમણે જીએસટીના સ્લેબ ઘટ્યા છે તે બાબતે પણ ટીકા કરી કહ્યું હતું કે, 2017માં ત્યારે જીએસટી સ્લેબમાં ફેરફાર કર્યો હતો ત્યારથી જ મારા દ્વારા ગબ્બરસિંગ જીએસટી ટેક્સ બાબતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યું હતો પરંતુ આઠ વર્ષ બાદ સરકારને જીએસટીના સ્લેબમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.