કચ્છમાં દેશલપર-લૂણા અને વાયોર-લખપત વચ્ચે બે નવી રેલવે લાઈનને કેન્દ્રની મંજુરી
- 194 કિમીની બન્ને રેલવે લાઈન માટે રૂપિયા 3375 કરોડનો ખર્ચ કરાશે,
- નવી રેલવે લાઈનથી મીઠું, સિમેન્ટ, કોલસા સહિતના ટ્રાન્સપોર્ટેશનને મોટો ફાયદો થશે,
- નવી રેલ લાઇન હડપ્પા, ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા જેવા પ્રવાસન સ્થળોને જોડશે
ભૂજઃ એક સમયે પછાત ગણાતા કચ્છનો આજે ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. ત્યારે કચ્છના વિકાસને વધુ વેગ આપવા માટે બે મહત્વપૂર્ણ નવી રેલ લાઇન —દેશલપર–હાજીપીર–લૂણા (82 કિમી) અને વાયોર–લખપત (63 કિમી) બ્રોડગેજ રેલ લાઇન પ્રોજેક્ટોને કેન્દ્રીય મંત્રિમંડળે મંજૂરી આપી છે. સાથે જ ભુજ–નલિયા રેલ લાઇનનું વાયોર સુધી વિસ્તરણ અને નલિયા–જખાઉ પોર્ટ નવી રેલ લાઇન સહિત કુલ લગભગ 194 કિમી રેલ લાઇનો રૂ. 3375 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. સરહદી અને તટીય વિસ્તારોમાં રેલ કનેક્ટિવિટી મજબૂત કરવાની, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા તથા રણનીતિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ અવસાનાઓને શક્તિશાળી બનાવવા આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
કચ્છ જિલ્લામાં બે નવી રેલવે લાઈનથી પરિવહનને ફાયદો થશે, માત્ર મીઠું, સિમેન્ટ, કોલસો અને બેન્ટોનાઈટ જેવી ચીજવસ્તુઓના પરિવહનની સાથે પ્રવાસનને પણ મોટો ફાયદો થશે. આ રેલ લાઇન હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા જેવા પ્રવાસી સ્થળોને જોડશે, જેમાં 13 નવા રેલવે સ્ટેશનો ઉમેરવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત સમયગાળો 3 વર્ષનો છે અને તેનાથી 16 લાખ વસ્તીને સીધો લાભ થશે.
દેશલપર–હાજીપીર–લૂણા (82 કિમી) અને વાયોર–લખપત (63 કિમી) મળીને કુલ 145 કિમીની નવી રેલ લાઇન પ્રોજેક્ટ છે. રેલવે બોર્ડે આ પ્રોજેક્ટને 3 સપ્ટેમ્બર 2025ના રોજ મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટને ₹2526.47 કરોડની કિંમતથી મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ 15 સ્ટેશનો, 91 રોડ અંડરબ્રિજ, 39 મોટા પુલ, 74 નાના પુલ અને 690 હેક્ટર જમીન અધિગ્રહિત કરવામાં આવશે. આમાં 2x25 kV AC વિદ્યુત પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશલપર–હાજીપીર–લૂણા (82 કિમી)ની નવી રેલવે લાઈન પર સાત સ્ટેશનો બનાવાશે જેમાં દેશલપર, પાલીવાડ, નખત્રાણા, અરલ મોટી, ફુલાય, હાજીપીર અને લૂણાનો સમાવેશ થાય છે. જ્યારે વાયોર–લખપત (63 કિમી) રેલવે લાઈન પર વાયોર, હરુડી, બારંડા, બુદ્ધા, નારાયણ સરોવર, કપુરાસી, છેરી મોટી અને લખપત રેલવે સ્ટેશનનો સમાવેશ થયા છે.
હાલમાં આ વિસ્તારમાં રેલ જોડાણ નથી અને નજીકનું રેલ સ્ટેશન ભુજ 75 કિમી દૂર છે. નવી રેલ લાઇન બનવાથી લોકો માટે પરિવહન વધુ સુરક્ષિત, સસ્તુ અને સુવિધાજનક બનશે. આ પ્રોજેક્ટ ઔદ્યોગિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે, લૂણા વિસ્તાર દેશના મુખ્ય મીઠા ઉત્પાદક વિસ્તારોમાંનો એક છે. અહીં દર વર્ષે આશરે 10 મિલિયન ટન મીઠું ઉત્પાદન થાય છે, જે હાલમાં રોડ માર્ગે પરિવહન થાય છે. નવી રેલ લાઇનથી આ વિશાળ જથ્થો સરળતાથી રેલ માર્ગે મોકલી શકાશે. આ ઉપરાંત વિસ્તારમાં બોક્સાઇટ, લિગ્નાઇટ અને ફ્લોરાઇટ જેવા ખનિજના ભંડાર છે, જેમાંથી ખનન અને પરિવહન દ્વારા રોજગાર અને ઔદ્યોગિક વિકાસ વધશે. વાયોર અને લખપત વિસ્તારોમાં સિમેન્ટ અને માઇનિંગ ઉદ્યોગો પહેલેથી જ સ્થિત છે, જેના કારણે માલ પરિવહનમાં વધારો થશે.