સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ નિયમોનું પાલન ન કરતી 17 કંપનીઓને નોટિસ ફટકારી
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ 17 કંપનીઓને નોટિસ ફટકારી છે જે ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) નિયમો, 2021નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. જેમાંથી 13 એકમોની હાલ તપાસ ચાલી રહી છે. ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. ઉપભોક્તા અધિકારોને જાળવવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સીસીપીએએ પ્રત્યક્ષ વેચાણ પ્રવૃત્તિઓના નિયમન પર અને પ્રસ્તુત કાનૂની માળખાનું અનુપાલન સુનિશ્ચિત કરવા પર તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ અંગે ઓથોરિટીએ આ ડાયરેક્ટ સેલિંગ કંપનીઓની વેબસાઈટ્સની કાળજીપૂર્વક તપાસ કરી હતી.
ડાયરેક્ટ સેલિંગ એ નિશ્ચિત રિટેલ પરિસરથી દૂર, સીધા જ ગ્રાહકોને માલ અથવા સેવાઓના માર્કેટિંગ, વિતરણ અને વેચાણની એક પદ્ધતિ છે. આ પદ્ધતિ એન્ટિટીના સ્વતંત્ર પ્રતિનિધિઓ પર આધાર રાખે છે, જે ડાયરેક્ટ સેલર્સ તરીકે ઓળખાય છે, જે ખાસ કરીને વ્યક્તિગત સંપર્ક, ઓનલાઇન પ્લેટફોર્મ અથવા હોમ પ્રેઝન્ટેશન દ્વારા ગ્રાહકોને ઉત્પાદનોનું સીધું વેચાણ કરે છે. નૈતિક ડાયરેક્ટ સેલિંગ વ્યવસાયો પારદર્શક રીતે કામ કરે છે, ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા વિના ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને તેમના પ્રતિનિધિઓ માટે વાજબી વળતર પૂરું પાડે છે.
ભારત સરકારે ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) રૂલ્સ, 2021ને નોટિફાઇડ કર્યું હતું, જેમાં ડાયરેક્ટ સેલિંગ કંપનીઓનું નિયમન કરવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે એક વિસ્તૃત માળખું સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ નિયમોનો હેતુ ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગમાં પારદર્શિતા, જવાબદારી અને નૈતિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે, જે ગ્રાહકોને સુમાહિતગાર નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવે છે. વધુમાં, આ નિયમો અન્ય નિયમનકારી માળખાને પૂરક બનાવે છે, જેમાં ગ્રાહક સુરક્ષા (ઇ-કોમર્સ) નિયમો, 2020 અને લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011 સામેલ છે, જે ગ્રાહક સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે.
જો કે, કેટલીક નકલી કંપનીઓ ગેરકાયદેસર પિરામિડ અથવા મની સર્ક્યુલેશન યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે ડાયરેક્ટ સેલિંગ મોડેલનો દુરુપયોગ કરે છે. આ કંપનીઓ મોટેભાગે ઉચ્ચ કમિશન, વિદેશી પ્રવાસો, એન્ટ્રપ્રાઇઝિંગ, ઊંચું વળતર અને ભવિષ્યમાં રૂપિયા આપવાના અવાસ્તવિક વચનો આપે છે, જે અન્યની ભરતી પર આધારિત હોય છે, જે ગ્રાહકોના વિશ્વાસ અને સ્થાપિત કાયદાઓનું ઉલ્લંઘન કરે છે અને ગ્રાહકોનો કપટપૂર્ણ પિરામિડ અને મની સર્ક્યુલેશન સ્કીમ્સ માટે ઉપયોગ કરે છે.