રાષ્ટ્રમાં સમૃદ્ધિ અને સત્યનિષ્ઠાની સંસ્કૃતિ માટે સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી
ગાંધીનગરઃ રાષ્ટ્રની સમૃદ્ધિ માટે સત્યનિષ્ઠાની સંસ્કૃતિ'ના લક્ષ્ય સાથે ભારતભરમાં ઉજવાઈ રહેલા સતર્કતા જાગૃતિ સપ્તાહ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને દરેક ક્ષેત્રમાં પોતાના કાર્યમાં પ્રમાણિકતા અને પારદર્શિતા માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન દેશમાં સતર્કતા જાગૃતિ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. દરેક ક્ષેત્રમાંથી ભ્રષ્ટાચાર નિર્મૂળ થાય, જવાબદારીની ભાવના બળવત્તર બને અને કાર્યપ્રણાલીમાં પારદર્શિતા આવે એવા ઉદ્દેશ્ય સાથે સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી થઈ રહી છે.
સતર્કતા જાગૃતિ સપ્તાહ અંતર્ગત રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓએ હંમેશા સતર્ક રહીને સંસ્થાના વિકાસ અને ગરિમા માટે વ્યક્તિગત અને સામૂહિક રીતે પ્રયાસરત રહેવાના, દેશના નિર્માણમાં નૈતિકતાથી સેવારત રહેવાના તથા પોતાના કર્તવ્યો માટે કોઈ ભય કે પક્ષપાત વિના પ્રમાણિકતાપૂર્વક કાર્યરત રહેવાના શપથ લીધા હતા.