CBSE ધો.10 -12ની પરીક્ષાનો આજથી પ્રારંભ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધો.-10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂ થશે. ગુજરાતમાંથી પણ ધો.-10 અને 12ના મળી 75 હજાર સાથે સમગ્ર દેશમાંથી આ પરીક્ષા માટે 42 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. CBSE દ્વારા પરીક્ષા માટે 7842 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે. બોર્ડની પરીક્ષા ભારત ઉપરાંત અન્ય 26 દેશોમાં લેવાશે. પ્રથમ દિવસે ધો.-10ની અંગ્રેજીની અને ધો.-12ની એન્ટરપ્રિનોરશિપની પરીક્ષા લેવાશે. ધો.-10ની પરીક્ષા 18 માર્ચે પૂર્ણ થશે. ધો.-12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે.
CBSEની ધો.-10 અને 12ની લેખિત પરીક્ષાનો શનિવારથી સત્તાવાર રીતે પ્રારંભ થશે. ધો.-10 અને 12ના મળી કુલ 204 વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. ગત વર્ષે ધો.-10માં 22.51 લાખ વિદ્યાર્થી અને ધો.-12માં 16.33 લાખ મળી કુલ 38.84 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે, આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં બે લાખ કરતા વધુનો વધારો થયો છે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા માટે બોર્ડ દ્વારા 7842 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
ગુજરાતમાંથી ધો.-10 અને 12ની પરીક્ષા માટે 75 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.-10માં 43 હજારથી વધુ અને ધો.-12માં 32 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષામાં હાજર રહેશે. ગત વર્ષે રાજ્યમાંથી 69 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થતિ રહ્યા હતા. ધો.-10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે અને 18 માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે ધો.-12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 4 એપ્રિલના રોજ પૂર્ણ થશે.
શનિવારથી શરૂ થનારી ધો.-10 અને 12ની પરીક્ષામાં અમદાવાદમાંથી 14 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.-10ના 7909 અને ધો.-12ના 6372 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોધાયા છે. અમદાવાદમાં પરીક્ષાને લઈને 21 કેન્દ્રો પણ નક્કી કરાયા હોવાનું જાણવા મળે છે. આમ, અમદાવાદમાં 14281 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.
CBSEની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા નિયમિત વિદ્યાર્થીઓએ સ્કૂલના યુનિફોર્મમાં પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેવું પડશે. જ્યારે ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપનારા ઉમેદવારોએ કોઈ પણ પ્રકારના હલ્કા કપડા પહેરવાના રહેશે. આમ, બોર્ડની પરીક્ષા પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા માટેનો ડ્રેસકોડ પણ નક્કી કરવામાં આવ્યો છે.
બોર્ડ દ્વારા જે વસ્તુ લઈ જઈ શકાય છે તેની અને જે વસ્તુ પર પ્રતિબંધ છે તેની યાદી પણ જાહેર કરી છે. જેમાં જે વસ્તુઓ લઈ જઈ શકાય છે તેમાં, એડમિટ કાર્ડ અને સ્કૂલ આઈડી, સ્ટેશનરી આઈટમમાં ટ્રાન્સપરન્ટ પાઉચ, જ્યોમેટ્રી બોક્સ, ઈન્ક પેન, સ્કેલ, રાઈટીંગ પેડ, રબર, પાણીની પારદર્શક બોટલ, મેટ્રો કાર્ડ, બસ પાસ અને પૈસા જેવી સામગ્રી પરીક્ષા વખતે લઈ જવા દેવામાં આવશે. જ્યારે પ્રતિબંધિત વસ્તુઓમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રિક ડિવાઈસ જેમ કે, મોબાઈલ ફોન, બ્લુટૂથ, ઈયરફોન, સ્માર્ટવોચ, કેમેરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેલ્ક્યુલેટર અને પેનડ્રાઈવ પણ લઈ જઈ શકાશે નહીં. પરીક્ષા વખતે માત્ર ડાયાબિટીક વિદ્યાર્થીઓને જ ખાવાની સામગ્રી લઈ જવાની છૂટ મળશે. તે સિવાયના વિદ્યાર્થીઓ ખાવાની સામગ્રી પણ લઈ જઈ શકશે નહીં.