સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શનિવારથી પ્રારંભ થશે
- દેશભરમાં 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની પરીક્ષા આપશે
- ધો.10માં પ્રથમ દિવસે અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે
- ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે
અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી તા.15 ફેબ્રુઆરીને શનિવારથી ધો.10 અને ધો.12ની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષા માટે સેન્ટ્રલ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે દેશભરમાં ધોરણ 10 અને 12ના 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSEની પરીક્ષા આપશે. તા.15ને શનિવારે પ્રથમ દિવસે ધો.10મા઼ અંગ્રેજી વિષયનુ઼ પ્રશ્નપત્ર હશે. દરેક વિદ્યાર્થીઓએ જે દિવસે પેપર હોય તે દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં સેન્ટરે હાજર થઇ જવાનુ઼ રહેશે. પેપરનો સમય સવારે 10.30થી બપોરેના 1.30 દરમિયાન રહેશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 15મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ચાલશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી ચાલશે. સિંગલ શિફ્ટમાં પરીક્ષા સવારે 10.30 વાગ્યે શરૂ થશે. CBSE ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષાઓ એક જ શિફ્ટમાં લેવામાં આવશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2025માં ભારત અને વિદેશની કુલ મળીને 8 હજાર શાળાના લગભગ 44 લાખ વિદ્યાર્થી ભાગ લેશે.
CBSE દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વિષય-વિશિષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમાં વિષય કોડ, વર્ગ સ્પષ્ટીકરણ, સિદ્ધાંત અને પ્રેક્ટિકલ માટે મહત્તમ ગુણ, પ્રોજેક્ટ કાર્ય, આંતરિક મૂલ્યાંકન અને જવાબ પત્રક ફોર્મેટ જેવી વિગતો સામેલ છે. આ વર્ષે CBSE બોર્ડની પરીક્ષાઓ CCTV કેમેરાની દેખરેખ હેઠળ લેવામાં આવશે. બોર્ડે આ માટે શાળાઓને કડક સૂચનાઓ જાહેર કરી છે. કેન્દ્રીય બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષામાં દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરા હોવાનું ફરજિયાત કરાયું છે. તેમાં બેદરકારી દાખવનાર શાળા સામે કેન્દ્રિય બોર્ડ આકરા પગલાં લેશે.
કેન્દ્રીય બોર્ડે જાહેર કરેલા નિયમોમાં જણાવાયું છે કે, વિદ્યાર્થી પરીક્ષામાં મોબાઇલ સહિતના ઇલેક્ટ્રોનિક ગેઝેટ લાવશે તો આગામી બે વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ઉપરાંત કોઈપણ પ્રકારની અફવા ફેલાવવા પર પણ કાર્યવાહી થશે. અગાઉ પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઇલ સહિતના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે પકડાય તો આગામી એક વર્ષ સુધી પરીક્ષા આપી શકતો ન હતો.