સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 15મી ફેબ્રુઆરીથી પ્રારંભ
- ધો.10ની પરીક્ષા 18મી માર્ચ સુધી ચાલશે,
- 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે,
- બોર્ડ દ્વારા પરીક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરાયો
અમદાવાદઃ ગુજરાત બોર્ડની જેમ સીબીએસઈ બોર્ડ દ્વારા પણ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ 15મી ફેબ્રુઆરીથી થશે. પરીક્ષાના સવારે 10.30 કલાકે શરૂ થશે. ધોરણ 10ની પ્રથમ પરીક્ષા અંગ્રેજીની હશે. 20મી ફેબ્રુઆરીએ સાયન્સની પરીક્ષા લેવાશે જેમાં માત્ર એક દિવસની રજા આપવામાં આવી છે. જ્યારે સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 25મી ફેબ્રુઆરીએ લેવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખોની જાહેર કરી છે. તે મુજબ 15મી ફેબ્રુઆરીથી પરીક્ષા લેવાશે. ધોરણ 10ની પરીક્ષા 18મી માર્ચ સુધી અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે. પ્રથમ વખત પરીક્ષાના 86 દિવસ પહેલાં સીબીએસઈ દ્વારા ડેટશીટ જાહેર કરવામાં આવી છે. તેનું કારણ એ છે કે, આ વખતે શાળાઓએ સમયસર LOC એટલે કે ઉમેદવારોની યાદી ભરી દીધી છે. આ સત્રમાં આશરે 44 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. પરીક્ષા સવારે 10:30 કલાકે શરૂ થશે.
સીબીએસઈ બોર્ડની પરીક્ષાના ટાઈમટેબલમાં બે વિષય વચ્ચે પૂરતો ગેપ આપવામાં આવ્યો છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષાની તારીખોને ધ્યાનમાં રાખવામાં આવી છે. અન્ય પ્રવેશ પરીક્ષાઓ પહેલા આ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આનાથી વિદ્યાર્થીઓને બોર્ડ અને પ્રવેશ પરીક્ષાઓ માટે વધુ સારી રીતે તૈયારી અને વ્યવસ્થા કરવામાં મદદ મળશે. ટાઈમટેબલ વિષયોના સંયોજનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે વિદ્યાર્થી દ્વારા પસંદ કરાયેલા બે વિષયની પરીક્ષાઓ એક જ તારીખે લેવામાં ન આવે.
ધોરણ 10ની પ્રથમ પરીક્ષા અંગ્રેજીની હશે. 20મી ફેબ્રુઆરીએ સાયન્સની પરીક્ષા લેવાશે જેમાં માત્ર એક દિવસની રજા આપવામાં આવી છે. જ્યારે સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 25મી ફેબ્રુઆરીએ લેવામાં આવશે. 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે છેલ્લી પરીક્ષા 18 માર્ચે કમ્પ્યૂટર એપ્લિકેશન, IT અથવા AI માટે હશે. જ્યારે ધોરણ 12માં ભૌતિકશાસ્ત્રની પરીક્ષા 21મી ફેબ્રુઆરીએ અને રસાયણશાસ્ત્રની પરીક્ષા 27મી ફેબ્રુઆરીએ લેવાશે. ધો.10ના મુખ્ય વિષયોની પરીક્ષામાં અંગ્રેજી 15 ફેબ્રુ., વિજ્ઞાન 20 ફેબ્રુ., સંસ્કૃત 22 ફેબ્રુ., સા. વિજ્ઞાન 25 ફેબ્રુ., હિન્દી 28 ફેબ્રુ., ગણિત 10 માર્ચ, આઈ.ટી. 18 માર્ચના રોજ લેવાશે. (File photo)