છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલને 6000 કરોડના કૌભાંડમાં CBIએ આરોપી બનાવ્યા
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને મહાદેવ એપ કૌભાંડમાં આરોપી બનાવાયા છે. 6000 કરોડના ઓનલાઇન સટ્ટા કૌભાંડથી જોડાયેલા કેસમાં સીબીઆઇએ બઘેલનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલા એજન્સીએ ચાર રાજ્યોમાં 60 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જેમાં બધેલનું આવાસ, અમુક અમલદાર અને પોલીસ અધિકારીઓના ઘર સામેલ હતા.
FIRમાં કહેવામાં આવ્યું છે કે મહાદેવ બુક એપના માલિકોએ પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓને પ્રોટેક્શન મની તરીકે મોટી રકમ આપી. જેથી તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક્શન લેવામાં ન આવે. આ રૂપિયા હવાલા દ્વારા પોલીસ અને તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા અને પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓ સુધી પહોંચાડતા હતા. આ રીતે પોતાને ફાયદો પહોંચાડવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો. એજન્સીએ 18 ડિસેમ્બર 2024એ આ મામલે એફઆઇઆર નોંધાવી હતી.
ઈડીએ પહેલા પણ રાજ્યમાં આ મામલે ઘણા દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈડી મહાદેવ એપથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલાની તપાસ કરી રહી છે. જેનો ખુલાસો રાજ્યમાં છેલ્લી કોંગ્રેસ સરકાર દરમિયાન થયો હતો. ગેરકાયદેસર સટ્ટાબાજી અને ગેમિંગ એપના બે મુખ્ય પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકાર અને રવિ ઉપ્પલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.