ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પશુપાલકોનો હુમલો
- પોલીસ એસ્કોર્ટ હોવા છતાં બેફામ પશુપાલકો પકડાયેલા ઢોર છોડાવીને ફરાર,
- સેકટર -21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ,
- બે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ટ્રેકટરમાંથી પશુઓને છોડાવ્યા હતા
ગાંધીનગરઃ હાલ વરસાદની સીઝનમાં રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસી રહેતા હોવાની ફરિયાદો ઊઠતા મ્યુનિની ઢોર પકડ ટીમ દ્વારા પોલીસના પ્રોટેક્શન સાથે ઢોર પકડવાની કામગીરી હાથ ધરી છે. સેકટર 21માં રખડતા ઢોર પકડીને ટ્રેકટર ટ્રોલીમાં જઈ જવાતા હતા. ત્યારે મ્યુનિની ઢોર પકડ પાર્ટી પર ત્રણ પશુપાલકોએ હુમલો કર્યો હતો, એસઆરપી પોલીસ એસ્કોર્ટ હોવા છતાં પાંજરાવાળા ટ્રેક્ટરમાં ભરેલા ત્રણ પશુઓને ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા બળજબરીપૂર્વક છોડાવી જવામાં આવતા આ અંગે સેકટર -21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતા સુરેશ ચંદુજી મકવાણા ગત રાતે ટીમ સાથે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન કુડાસણ અને સેક્ટર-17માંથી એક ગાય અને એક પાડી પકડવામાં આવી હતી. ઉપરાંત આજે સવારે પણ સેક્ટર-21 ચ-રોડ પરથી વધુ એક ગાય પકડીને ટ્રેક્ટરમાં ભરી હતી. આ ત્રણેય પશુઓને લઈને ટીમ સેક્ટર-30ના વૃંદાવન ગૌધામ તરફ જઈ રહી હતી. તે સમયે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ ચ-6થી ચ-7 તરફ જતા રોડ પર સેક્ટર-29ના કટ પાસે બે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ટ્રેક્ટરને રોક્યું હતું. જે પૈકીના જય ભરવાડ નામના શખસે ટ્રેક્ટરની પાંજરાવાળી ટ્રોલીમાં ચડી જઈ દરવાજો ખોલી નાખ્યો હતો. જોકે, ઢોર પકડ પાર્ટી ટીમના વાહનોની સાથે પોલીસ એસ્કોર્ટ ટીમ પણ હતી, જે થોડી આગળ જઈ રહી હતી. આ તકનો લાભ ઉઠાવીને ત્રણેય શખ્સોએ પાંજરામાંથી બે ગાય અને એક પાડીને ઉતારી લીધી હતી. જેના લીધે પશુઓ આમતેમ નાસવા માંડ્યા હતા. બાદમાં ત્રણેય શખ્સો બાઈક પર ફરાર થઈ ગયા. અને ટીમ ધ્વારા એક ગાયને પાછી પકડી લેવામાં આવી હતી. આ અંગે સેક્ટર 21 પોલીસે જય ભરવાડ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.