ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, ચારના મોત
નવી દિલ્હીઃ ઝારખંડના પલામુમાં એક વાહન પલટી જતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બુધવારે રાત્રે મનતુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઉરુર જંગલ પાસે બની હતી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન રાજસ્થાનના સિરોહી જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માતમાં એક કાર કાબુ બહાર જઈને નાળામાં પડી ગઈ હતી. આ અકસ્માત સિરોહીના સરનેશ્વર જી પુલિયા પાસે થયો હતો.
સિરોહી કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારી કૈલાશ દાને જણાવ્યું હતું કે, કારમાં એક પરિવાર ગુજરાતથી જોધપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. કારનું આગળનું ટાયર અચાનક ફાટ્યું હતું, જેના કારણે કાર બેકાબૂ થઈ ગઈ હતી અને ડિવાઈડર ઓળંગીને નાળામાં પડી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બે મહિલા, બે પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે. આ તમામ ફલોદીના ખારા ગામના રહેવાસી હતા.
અકસ્માતની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપી હતી. જ્યારે મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. અકસ્માતની આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.