પારડીના તરમલિયા નજીક ભેસુ ખાડીમાં કાર તણાઈ, પતિનો બચાવ, પત્ની અને દીકરીનું મોત
- NDRFની ટીમ અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા,
- ભારે વરસાદને કારણે નીચાણવાળો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો,
- પાણીના તીવ્ર વહેણને કારણે શિક્ષિકા અને તેની પુત્રી કાર સાથે તણાયા
વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલી ભેસુ ખાડીના કોઝવે પરથી એક કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર શિક્ષિકા તનાશા પટેલ અને તેમની પુત્રી યશવી પટેલ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. જોકે, કારમાં સવાર શિક્ષક મહેશભાઈ પટેલનો આબાદ બચાવ થયો હતો.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામ ખાતે શિક્ષક દંપતી અને તેની દીકરી કારમાં જઈ રહ્યા હતા ત્યારે ભેસુ ખાડીના કોઝવે પર કાર પસાર થતાં ધસમસતા વહેણમાં કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર શિક્ષક પતિનો આબાદ બચાવ થવા પામ્યો છે. જો કે 8 વર્ષની બાળકી અને શિક્ષક માતા કાર સાથે નદીના પ્રવાહમાં કાર સાથે તણાઈ ગયા હતા. મોડી રાત્રે સ્થાનિક તરવૈયાઓ અને NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથને બન્નેના મૃતદેહ શોધી કાઢ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, વલસાડના પારડી તાલુકામાં ગત રોજ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ કારણે ખાડીમાં પાણીની સપાટી 4.5 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. કોઝ-વે પરથી કાર પાણીના વહેણમાં ફસાતા મહેશભાઈએ કારનો કાચ ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પરિવારને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ પાણીના તીવ્ર વહેણને કારણે શિક્ષિકા અને તેમની પુત્રી કાર સાથે તણાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર અને NDRF ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાત્રે 2:30 વાગ્યા સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી. ખાડીની આસપાસ વાસ અને ઝાડી-ઝાંખરા હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. 2 કલાકથી વધુની જહેમત બાદ NDRFની ટીમને કાર કે માતા પુત્રી હાથ લાગ્યા ન હતા. પારડીના ચંદ્રપુરના તરવૈયાઓએ પણ ભારે જહેમત લગાવી હતી. વહેલી સવારથી NDRF અને ચંદ્રપુરના તરવૈયાઓએ કાર અને માતા પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. ખાડી ઉપરથી પાણી ઉતરતા ખાડી નજીક કાર મળી આવી હતી અને કારમાંથી માતા પુત્રીની પાણીમાં ડૂબેલી હાલતમાં ડેડબોડી મળ્યા હતા.