મહેસાણાના જગુદણ ચોકડી પાસે કારને નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક જગુદણ ચોકડી પાસે પુરઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને મોટરકાર પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં કારમાં સવાર 3 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પાટણનો પરિવાર કારમાં મીનાવાડા ખાતે દશા માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણની અંબાપાર્ક સોસાયટીમાં રહેતો 70 વર્ષીય જગદીશ પરસોત્તમભાઈ જોશીનો પરિવાર રવિવારે બપોરે મીનાવાડા ગામે દશા માની બાધા પૂરી કરવા ઇકો ગાડીમાં નીકળ્યો હતો. મહેસાણા નજીક જગુદણ ચોકડી પાસેથી પસાર થતાં ગાડીનું ટાયર અચાનક ફાટી ગયું હતું, જેના કારણે ઇકો પલટી ખાઈ ગઇ હતી. આ દુર્ઘટનામાં જગદીશભાઈ, તેમની પત્ની સંતોષબેન અને 3 વર્ષના પૌત્ર ધીરજનું ઘટના સ્થળે જ દુ:ખદ મોત થયું હતું. આ અકસ્માતમાં જોશી દંપતીના પુત્ર અનિલભાઈ, પુત્રવધૂ રીનાબેન, દોઢ વર્ષના પૌત્ર અને ગાડીના ડ્રાઇવર સહિત ચાર વ્યક્તિઓને ઇજાઓ થતા તેમને સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. દિવાળીના તહેવારો દરમિયાન આ દુર્ઘટનાથી જોશી પરિવારના ત્રણ સભ્યોના અવસાનને કારણે પરિવાર અને સંબંધીઓમાં ગમગીન માહોલ છવાઈ ગયો છે.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કાર પલટી ખાઈ જતા તેમાં સવાર મુસાફરોથી ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.