કેનેડાના વડા પ્રધાન ટ્રુડો રાજીનામું આપી શકે છે, પાર્ટીમાં વિરોધ વધ્યો
ઓટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પાર્ટીમાં આંતરિક અસંતોષ અને લોકપ્રિયતામાં ઘટાડાને કારણે આ અઠવાડિયે લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગ્લોબ એન્ડ મેઇલ અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ટ્રુડો ક્યારે રાજીનામું આપશે તે સ્પષ્ટ નથી, પરંતુ બુધવારે મહત્વની બેઠક પહેલાં તેઓ રાજીનામું આપે તેવી અપેક્ષા છે.
ટ્રુડો 2015થી કેનેડાના વડાપ્રધાન છે. વડા પ્રધાન સાથે વાત કરનાર એક સ્ત્રોતે તાજેતરમાં જણાવ્યું હતું કે ટ્રુડો માને છે કે તેમણે પાર્ટીની બેઠક (લિબરલ કોકસ) પહેલાં નિવેદન આપવાની જરૂર છે જેથી એવું ના લાગે કે, પોતાના સાંસદો દ્વારા જબરબસ્તીથી હટાવાયાં છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે ટ્રુડો તરત જ રાજીનામું આપશે અથવા નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી વડા પ્રધાન રહેશે. લિબરલ પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી નેતૃત્વના મુદ્દાઓ પર નિર્ણય લેશે અને આ અઠવાડિયે તેની બેઠક મળવાની છે, અહેવાલમાં જણાવાયું છે.
લિબરલ પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે નેતૃત્વ અંગે નિર્ણય લેવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે, જો કે પાર્ટીના બંધારણમાં ઓછામાં ઓછા ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ટ્રુડોના રાજીનામાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે દેશમાં તેમની લોકપ્રિયતા સતત ઘટી રહી છે અને દેશમાં ઓક્ટોબરના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે.