ખાલીસ્તાન સમર્થકોને નાણાકીય સહાય મળતી હોવાની કેનેડાની કબુલાત
નવી દિલ્હીઃ કેનેડાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદી જૂથોને દેશના આંતરિક સ્ત્રોતોમાંથી નાણાકીય સહાય મળી રહી છે.
કેનેડાના નાણાં મંત્રાલયના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓએ શોધી કાઢ્યું છે કે ખાલિસ્તાન સમર્થક જૂથને કેનેડાના લોકો અને અહીંના નેટવર્ક્સ તરફથી નાણાકીય સહાય મળે છે. આ જૂથોમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સમાવેશ થાય છે. આ બંને જૂથો કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંગઠનો તરીકે સૂચિબદ્ધ છે.
અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે આ જૂથો કેનેડામાં વ્યાપક ભંડોળ ઊભું કરવાનું નેટવર્ક ધરાવતા હતા, ત્યારે તેઓ હવે કોઈ ચોક્કસ સંગઠન સાથે સંકળાયેલા ન હોવાથી ખાલિસ્તાનના હેતુને સમર્થન આપતા લોકોના નાના જૂથો દ્વારા કાર્ય કરતા દેખાય છે.
કેનેડાની સરકારે ચેતવણી આપી છે કે આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવાથી કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રતિષ્ઠાને ગંભીર ખતરો થઈ શકે છે.