ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજી પ્લેટફોર્મ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકાય? સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે શું દેશમાં ચાલતા ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજી (બેટિંગ) પ્લેટફોર્મ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય છે? આ મામલે દાખલ જાહેર હિત અરજી (PIL)માં આરોપ મૂકવામાં આવ્યો છે કે અનેક જુગાર અને સટ્ટાબાજીના વેબપોર્ટલ્સ “સોશિયલ ગેમ” અથવા “ઈ-સ્પોર્ટ્સ ગેમ”ના નામે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. ન્યાયમૂર્તિ જે.બી. પારદીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને આ મુદ્દે સ્પષ્ટતા આપવા કહ્યું છે.
કેસની હકીકત અનુસાર, અરજી સેન્ટર ફોર અકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટમિક ચેન્જ (CASC) દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં સમગ્ર દેશમાં ઓનલાઇન જુગાર અને સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. બેન્ચે CASC સંસ્થાના વકીલને જણાવ્યું કે, તેઓ કેસ સંબંધિત તમામ દસ્તાવેજો કેન્દ્ર સરકારના વકીલ વી.સી. ભારતીને સોંપે. કોર્ટએ કહ્યું કે બે અઠવાડિયા બાદ આ મુદ્દે કેન્દ્રનો જવાબ રજૂ કરવામાં આવશે.
કોર્ટના આદેશમાં જણાવાયું કે, “અમે યાચિકાકર્તા સંસ્થાના વકીલ ભારતીને વિનંતી કરીએ છીએ કે તેઓ આ કેસનો અભ્યાસ કરી આગામી સુનાવણીના દિવસે અમને કાનૂની મદદ પૂરી પાડે.” અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં અનેક ઓનલાઇન ગેમિંગ એપ્સ ઈ-સ્પોર્ટ્સ કે સોશિયલ ગેમિંગના આવરણ હેઠળ જુગાર અને બેટિંગની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે.
આ અરજીમાં વકીલ વિરાગ ગુપ્તા અને રૂપાલી પંવાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. અરજીમાં માગ કરવામાં આવી છે કે, પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઑફ ઑનલાઇન ગેમિંગ એક્ટ, 2025ની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવે અને તે એવા રાજ્યોમાં કડક રીતે લાગુ થાય જ્યાં જુગાર અને સટ્ટાબાજી પહેલેથી જ પ્રતિબંધિત છે.
અરજદારોએ દલીલ કરી કે ઓનલાઈન “રીઅલ મની ગેમ્સ” દેશમાં ગંભીર સામાજિક સમસ્યા બની રહ્યા છે. આ ગેમ્સના કારણે લોકોને આર્થિક નુકસાન, જુગારની લત, માનસિક તણાવ અને આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. અરજીમાં વધુમાં આરોપ મૂકાયો છે કે કેટલાક ક્રિકેટર અને ફિલ્મ અભિનેતાઓ આવા પ્લેટફોર્મ્સના પ્રચારમાં જોડાયા છે, જેના કારણે સાયબર ઠગાઈ અને મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.
17 ઑક્ટોબરે થયેલી સુનાવણી દરમિયાન પ્રથમ વખત સુપ્રીમ કોર્ટએ સીધી રીતે આ મુદ્દે તપાસ શરૂ કરી હતી અને પૂછ્યું કે શું કેન્દ્ર સરકાર ઓનલાઇન જુગાર અને બેટિંગ પ્લેટફોર્મ્સને સંપૂર્ણપણે બેન કરી શકે છે? કોર્ટ દ્વારા આવનાર સમયમાં આપવામાં આવનાર નિર્ણયનો ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગના ભવિષ્ય પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડી શકે છે.