'મેક ઇન ઇન્ડિયા' અને 'હર ઘર સ્વદેશી'ના અભિયાનને જન-જન સુધી પહોંચાડવા ઝૂંબેશ કરાશે
- 'હર ઘર સ્વદેશી' અભિયાનને મિશન મોડ પર લઈ જવા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક,
- હર્ષ સંઘવીએ વડા-ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું,
- લોકલ ફોર વોકલ ઉત્પાદનોનો મહત્તમ ઉપયોગ કરવા આહવાન
ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'હર ઘર સ્વદેશી'ના અભિયાનને જન-જન સુધી પહોંચાડીને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ યોજાયેલી આ બેઠકમાં તમામ વિભાગોના વડા-ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો મહત્તમ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવે તે પ્રકારની જનજાગૃતિ કેળવવાનો છે. તે ઉપરાંત બેઠકમાં અન્ય મહત્વની બાબતો પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિદેશી ચીજવસ્તુઓને બદલે સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો પ્રેરાય તે પ્રકારની જનજાગૃતિ કેળવવી, સ્વદેશી ચીજવસ્તુઓની માંગ વધારવા માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરવા પર ભાર મૂકવો, 'હર ઘર સ્વદેશી' મુહિમને મિશન મોડ પર લઈ જવા માટેની બારીક વ્યૂહરચના તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'બદલાવ સ્વયંથી'નો સંકલ્પ લઈને સૌ પ્રથમ તમામ વિભાગો સ્વદેશી વૈકલ્પિક ચીજવસ્તુઓ અપનાવે તે માટે ભારપૂર્વક સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારી વિભાગો દ્વારા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગની શરૂઆત થવાથી એક સકારાત્મક સંદેશ જનતામાં જશે અને આ મુહિમને વેગ મળશે.
આ પ્રસંગે આત્મનિર્ભર ભારત અભિયાનના પ્રદેશ ઈન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા, અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર, ડૉ. અંજુ શર્મા, પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિની કુમાર, આર.સી.મીણા સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.