મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિનું પ્રચાર અભિયાન નફરત ભર્યુઃ કોંગ્રેસ
નવી દિલ્હીઃ કોંગ્રેસે સોમવારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર પર તેના ચૂંટણી પ્રચારમાં ઇરાદાપૂર્વક "દ્વેષ અને ઝેર" ફેલાવવાનો અને "રાજ્યમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો" પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આ અભિયાન ભાજપની "બીમાર માનસિકતા" ને છતી કરે છે.
રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું "ભાજપાના આગેવાનીવાળી મહાયુતિનું પ્રચાર અભિયાન માત્ર એક એજન્ડા છે, માત્રને માત્ર ધર્મના આધાર ઉપર સમાજમાં ધ્રુવીકરણ કરવા અને રાજ્યમાં સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનું. આવું ખતરનાક અભિયાન તેમની બીમાર માનસિકતાને છતી કરે છે."
તેમણે વધુમાં કહ્યું કે, “તેમનું સમગ્ર અભિયાન નફરતથી ભરેલું છે અને જાણીજોઈને સમાજમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે. પરંતુ મહારાષ્ટ્રના લોકો 20 નવેમ્બરે આવા અભિયાનને નિર્ણાયક રીતે નકારી કાઢશે. રમેશે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA)ની ઝુંબેશ લોકોની રોજિંદી સમસ્યાઓ, પરેશાનીઓ અને મૂળભૂત મુદ્દાઓ પર આધારિત છે.
તેમણે કહ્યું કે યુવાનો માટે નોકરીઓનો અભાવ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અપૂરતો સામાજિક ન્યાય અને મોટા રોકાણ પ્રોજેક્ટ્સમાં મહારાષ્ટ્ર સામે ભેદભાવ પણ ગઠબંધનના એજન્ડામાં ઉચ્ચ છે.