દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે અભિયાન, 100ને પરત કરાયાં
નવી દિલ્હીઃ દિલ્હીમાં ગેરકાયદેસર રીતે કેમ્પ કરી રહેલા બાંગ્લાદેશીઓ સામે દિલ્હી પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં દિલ્હી પોલીસે લગભગ 100 બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરી દીધા છે. આ લોકો ગેરકાયદેસર રીતે દિલ્હીમાં છુપાયેલા હતા. 500 થી વધુ શકમંદોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસ સતત બીજા મહિને બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ રાખી રહી છે. દરમિયાન દિલ્હી પોલીસે અન્ય એક બાંગ્લાદેશી નાગરિકને બાંગ્લાદેશ પરત મોકલી દીધો છે. આ વ્યક્તિ છેલ્લા ચાર મહિનાથી ગેરકાયદેસર રીતે દિલ્હીમાં અહીં-ત્યાં છુપાયેલો હતો. દક્ષિણ પશ્ચિમ જિલ્લાના સ્પેશિયલ સ્ટાફે ઈમોન અલી નામના વ્યક્તિને પકડી લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું કે ઈમોન અલી બાંગ્લાદેશના બલિયાકાંડી નરુઆ ગામનો રહેવાસી છે. તે ચાર મહિનાથી દિલ્હીમાં રહેતો હતો.
પોલીસને માહિતી મળી હતી કે મહિપાલપુર પાસે એક વ્યક્તિ નાસતો ફરે છે. પૂછપરછ દરમિયાન તેની પાસે ભારતના રહેવાસી હોવાના કોઈ દસ્તાવેજ નહતા. તેની પાસેથી બાંગ્લાદેશના દસ્તાવેજોની ફોટોકોપી મળી આવી હતી. જે બાદ તેને FRRO દ્વારા બાંગ્લાદેશ મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 100 બાંગ્લાદેશીઓને FRRO દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા છે.
ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવાની સાથે, દિલ્હી પોલીસ સિન્ડિકેટ પર પણ નજર રાખી રહી છે જે આ બાંગ્લાદેશીઓને ભારત પહોંચવામાં મદદ કરે છે. તેમના નકલી આધાર કાર્ડ પણ બનાવવામાં આવે છે. પોલીસ દ્વારા બાંગ્લાદેશ પરત મોકલવામાં આવેલા ઘણા બાંગ્લાદેશીઓ લગભગ 20 વર્ષથી દિલ્હીમાં પડાવ નાખીને બેઠા હતા.