દિવાળીએ દેશભરમાં રેકોર્ડબ્રેક વેચાણની આશા, વેપાર રૂ. 4.75 લાખ કરોડ પાર જવાનો CAITનો અંદાજ
નવી દિલ્હી : આ વર્ષની દિવાળી દેશના વેપારીઓ માટે રેકોર્ડબ્રેક સાબિત થવાની સંભાવના છે. વેપાર સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ મુજબ આ વર્ષની દિવાળીના તહેવારમાં દેશભરમાં કુલ રૂ. 4.75 લાખ કરોડનું વેચાણ થવાની શક્યતા છે જે અત્યાર સુધીનું સૌથી વધુ ગણાશે.
CAITના રાષ્ટ્રીય મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન દેશના 35 મુખ્ય શહેરોમાં હાથ ધરાયેલા સર્વે મુજબ આ વર્ષે બે મુખ્ય પરિબળો તહેવારના વેપારને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે, પ્રથમ, પીએમ નરેન્દ્ર મોદીના "વોકલ ફોર લોકલ" અને "લોકલ ફોર ગ્લોબલ" અભિયાનને ગ્રાહકો તરફથી મળતું જબરદસ્ત સમર્થન, અને બીજું, સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે વધતો વિશ્વાસ અને ઉત્સાહ.
ખંડેલવાલે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી દિવાળીના સમયમાં વેચાણમાં સતત વૃદ્ધિ નોંધાઈ રહી છે અને આ વર્ષે તેનો આંકડો રુ. 4.75 લાખ કરોડ સુધી પહોંચવાની આશા છે. આ તહેવાર દરમિયાન માટીના દીવા, મૂર્તિઓ, હસ્તકલા, પૂજા સામગ્રી, ઘર સજાવટના સામાન, ઇલેક્ટ્રોનિક્સ, એફએમસીએજી, કપડાં, ફર્નિચર, રમકડાં, મીઠાઈઓ, ઓટોમોબાઇલ્સ, રસોડાના વાસણો જેવી વસ્તુઓમાં ભારે માંગ જોવા મળશે. વેપારીઓ અનુસાર,ભારતીય કારીગરો અને સ્થાનિક ઉત્પાદકો આ વર્ષે વેચાણમાં મુખ્ય ભૂમિકા ભજવશે.