બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લીધે કેડિલા બ્રિજ રાતના સમયે તબક્કાવાર બંધ કરાશે
- કેડિલા બ્રિજની ઉપરના ભાગે પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરાશે
- કેડિલા બ્રિજ તા. 6ઠ્ઠી એપ્રિલથી 30મી મે સુધી રાતના સમયે બંધ રહેશે
- વાહનો માટે વૈકલ્પિક માર્ગ સુચવાયો
અમદાવાદઃ શહેર નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેમાં શહેરના સાબરમતીથી વટવા સુધીનું પાયલોટીંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું ચાલી રહ્યું છે. આ કામકાજ અંતર્ગત કેડીલા બ્રિજની ઉપરના ભાગે પીલરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવશે. આ કામગીરીને લીધે આગામી તા.6-4-2025થી તા.30-5-2025 સુધી રાતના સમયે કેડિલા બ્રિજ વાહનોની અવર-જવર માટે બંધ કરાશે, જોકે દિવસ દરમિયાન કેડિલા બ્રિજ ચાલુ રહેશે જ્યારે રાતના સમયે બ્રિજ બંધ કરાશે.
અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરીને લીધે કેડિલા બ્રિજ 45 દિવસ માટે રાતના સમયે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ફક્ત રાત્રીના સમયગાળા દરમિયાન કરવામાં આવશે. સદરહું કામકાજ દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન કરાશે. જેમાં કેડીલા બ્રિજ ઉપર આવેલા ત્રણ રસ્તા પૈકી મધ્ય ભાગમાં આવેલા BRTS રોડ 45 દિવસ માટે બંને છેડાથી બંધ કરવામાં આવશે. કેડીલા બ્રિજ ઉપરથી અવર-જવર માટે થતી BRTS બસ દિવસ દરમિયાન બાજુમાં આપેલા બંને રોડનો ઉપયોગ કરી શકશે. જ્યારે સદર કેડીલા બ્રિજ ઉપર રાત્રી દરમિયાન અવર-જવર કરતાં વાહનો બંને બાજુ આવેલા રોડનો વારાફરતી ઉપયોગ કરી શકશે એટલે કે જે સાઈડનું કામ ચાલુ રહેશે તેની બાજુના રોડ ઉપર વાહન અવર-જવર કરી શકશે.