ઉત્તરપ્રદેશમાં કેબિનેટ મંત્રીના કાફલાના વાહનને નડ્યો અકસ્માત, પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત
- અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા
- પશુને બચાવવાના પ્રયાસમાં આ અકસ્માત સર્જાયાનું ખુલ્યું
લખનૌઃ ઉત્તર પ્રદેશ છેલ્લા કેટલાસ સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર સંજય નિષાદના કાફલાને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળે છે. પશુને બચાવવાના પ્રયાસમાં તેમના કાફલાના વાહનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન ખાડામાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં વાહનમાં સવાર ચાર મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માતની આ ઘટના બલિયા જિલ્લાના જનુઆન ગામ પાસે બની હતી.
કેબિનેટ મંત્રી સંજય નિષાદે જણાવ્યું હતું કે, ‘પાર્ટી દ્વારા બંધારણ અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામેલ થવા માટે કાફલા સાથે બલિયા જઈ રહ્યો હતો. આ દરમિયાન ખેજુરી પોલીસ સ્ટેશન વિસ્તારના જનુઆન ગામ પાસે મારા કાફલાનું એક વાહને પશુને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ડ્રાઈવરે વાહન પર કાબુ ગુમાવતા ખાડીમાં પલટી ગયું હતું.’ ‘આ દુર્ઘટનામાં રાકેશ નિષાદ, રામરતી, ઉષા, ગીતા અને ઈરાવતી નિષાદને ઈજા થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને વહિવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’