વાવ વિધાનસભા બેઠકની કાલે પેટા ચૂંટણી, કમળ, પંજો અને બેટ જીત માટે આશાવાદી
- મતદારોને રિઝવવા છેલ્લા ઘડી સુધી ભાજપ-કોંગ્રેસ અને માવજીભાઈ પ્રયાસો કર્યા,
- રસાકસીભરી ચૂંટણીમાં કોણ જીતશે, તે કહેવું મુશ્કેલ
- આજે કતલની રાત, ઉમેદવારો કરશે ઉજાગરા
પાલનપુરઃ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી કાલે તા. 13મી નવેમ્બરને બુધવારે યોજાશે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડ્યા બાદ ગઈ સાંજથી ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આજની રાત કતલની રાત છે. ચૂંટણી જીતવા માટે ચોગઠા ગોઠવવામાં આવશે. અને મતદારોને રિઝવવા માટે શામ. દામ સહિત તમામ પ્રયાસો કરાશે. આ ચૂંટણીમાં ભાજપ , કોંગ્રેસ અને ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે ઊભેલા માવજીભાઈ પટેલે વચ્ચે રસાકસીભર્યો મુકાબલો છે. કોણ જીતશે, તે કહેવું મુશ્કેલ છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગઈકાલે સોમવારે સાંજે 5 વાગે રાજકીય પ્રચાર પડઘમ શાંત થયા હતા. જે બાદ ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો છે. વાવનો ગઢ સર કરવા ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓએ દિવસો સુધી ધામા નાખ્યા હતા.97 સંવેદનશીલ કેન્દ્રો મળી 321 મતદાન બુથ પર આવતી કાલે 13 મીએ મતદાન થશે. 23 મી એ જગાણા ખાતે મતગણતરી કરાશે.
વાવની બેઠક કબજે કરવા ભાજપ- કોંગ્રેસ મરણીયો પ્રયાસ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કોંગ્રેસે અત્યાર સુધી 9 મોટી સભાઓ કરી, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, શૈલેષ પરમાર, ઉત્તર ગુજરાતના પ્રભારી શુભાષનીબેન યાદવ, સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ચંદનજી ઠાકોર, અમૃતજી ઠાકોર, ઇન્દ્રનીલ રાજગુરુ, ઇન્દ્રજીતસિંહ, રાજસ્થાનના ધારાસભ્ય રતનશી દેવાશી સહિતના નેતાઓએ સભાઓ ગજવી હતી. કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો તમામ દોરી સંચાર વાવની ઠાકરશી રબારીની લોકનિકેતન સંસ્થામાંથી થયો હતો. અહીં પહેલા જ દિવસથી મંડપ બંધાયેલો રહ્યો અને. જેમાં જુદી જુદી સભાઓ યોજાઈ હતી.
ભાજપની છાવણીમાં આખી સરકાર વાવના આંગણે આવી હોય તેવો ઘાટ ઘડાયો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સહિત સરકારના મોટાભાગના મંત્રીઓ અહીં ગામેગામ પ્રચારમાં જોવા મળ્યા. ભાજપ એ ચૂંટણીનું દોરીસંચાર ભાભરથી કર્યું, અહી વાવ રોડ પર જૈન સમાજની વાડીમાં દરરોજ સભાઓ થતી રહી. જ્યારે ચૌધરી સમાજના માવજી પટેલ એકલા હાથે ભાજપ અને કોંગ્રેસ બન્નેને હંફાવી રહ્યા છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા ભાજપ-કોંગ્રેસ દ્વારા ભાભર અને વાવ વિસ્તારમાં છેલ્લા દિવસે રોડશોના આયોજન થયા હતા. જેમાં ભાજપે સવારે વાવ ખાતે રોડ-શોનું આયોજન કર્યું હતું જે બાદ ભાભરમાં ત્રણ થી ચાર કિલોમીટર પગપાળા ચાલી રોડ શો યોજયો હતો. કોંગ્રેસે પણ રોડ શો પગપાળા ચાલીને આખા ભાભરમાં ફર્યા અને લોકોને ગુલાબ આપ્યા હતા.