રાજસ્થાનમાં ગુજરાતના યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત, 4નો મોત 28ને ઈજા
- રાજસ્થાનમાં સીકરના ફતેહપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત,
- ગુજરાતના યાત્રાળુઓ વિષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા,
- ગુજરાતના વલસાડના યાત્રાળુઓ ખાનગી બસમાં પ્રવાસ કરી રહ્યા હતા
અમદાવાદઃ રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર પાસે ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગુજરાતના 4 યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં 28 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 7લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બસમાં સવાર તમામ યાત્રાળુઓ વલસાડ (ગુજરાત)ના રહેવાસી છે. યાત્રાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને ખાટુશ્યામજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા.ત્યારે યાત્રાળુઓની ખાનગી બસ ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને ઘણા યાત્રાળુઓ સીટોમાં જ ફસાઈ ગયા હતા.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર પાસે બીકાનેર જયપુર હાઈવે પર યાત્રાળુઓની ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વૈષ્ણોદેવી મંદિરથી દર્શન કરીને પરત આવતી ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડ્યો હતો. સીકરના ફતેપુર પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 4 લોકોના મોત નિપજ્યા છે. તેમજ 28 યાત્રાળુઓ ઘાયલ થયા છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મંગળવારે મોડી રાત્રે સીકરના ફતેહપુરમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ફતેહપુર-બિકાનેર હાઇવે પર ઓસ્વાલ શક્તિ મંદિર નજીક બાયપાસ પાસે આ અકસ્માત થયો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત યાત્રાળુઓને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ 17 લોકોને ફતેહપુરથી સીકર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં એએસપી ફતેહપુર સદર તેજપાલ સિંહ, સ્ટેશન હાઉસ ઓફિસર સુરેન્દ્ર દેગરા અને ફતેહપુર કોતવાલી સ્ટેશન હાઉસ ઓફિસર મહેન્દ્ર કુમાર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને તાત્કાલિક ફતેહપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.