મુખ્યમંત્રી સહિત મંત્રીઓને બંગલા ફાળવાયા, CMને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવાયો
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયો,
- ગેરમાન્યતાઓ હોવાને લીધે બંગલાને 13 નંબર અપાયો નથી,
- તમામ બંગલા રિનોવેશન કરીને મંત્રીઓને સોંપાશે
ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. કેબીનેટ અને રાજ્યકક્ષાના કુલ 25 મંત્રીઓએ પદભાર સંભાળ્યા બાદ હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બંગલાની ફાળવણીની યાદી જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં 16 મંત્રીમાંથી 10ને પડતા મૂક્યા હતા અને 6ને રિપીટ કરાયા હતા, જ્યારે નવા 19 મંત્રી બનાવવામાં આવ્યા હતા. એમાંથી મોટા ભાગના મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે. આ મંત્રીઓને બંગલાની પણ ફાળવણી કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે.
માર્ગ અને મકાન વિભાગે જાહેર કરેલી યાદી મુજબ કુલ 25 મંત્રીને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલા ફાળવવામાં આવ્યા છે. નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બંગલો નં. 43 ફાળવાયો છે, જે સંકુલના અંતિમ ખૂણામાં આવેલો છે. બીજી તરફ રીવાબા જાડેજાને સૌથી મુખ્ય સ્થાન ધરાવતા રાજભવન સામેનો બંગલો નં. 12A ફાળવવોમાં આવ્યો છે. તેમજ કાંતિ અમૃતિયાને પુત્રોના ભ્રષ્ટાચારને કારણે વિવાદમાં સપડાયેલા બચુ ખાબડને જે બંગલો ફાળવ્યો હતો એ જ 33 નંબરનો બંગલો ફાળવ્યો છે.
ગાંધીનગરમાં આવેલા મંત્રી નિવાસસ્થાન પાછળ અનેક માન્યતાઓ પ્રવર્તી રહી છે, જેમાં જે કોઈ મુખ્યમંત્રી એક નંબરના બંગલામાં રહે તો તેમણે મુખ્યમંત્રીપદ ગુમાવવું પડે છે. એટલું જ નહીં, મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથી. ગાંધીનગરમાં રાજભવન સાથે જ મંત્રીઓ માટેના બંગલા આવેલા છે, જેમાં કુલ 43 જેટલા બંગલા છે. એમાં બધા બંગલાને નંબર ફાળવવામાં આવ્યા છે, પણ 13 નંબરનો કોઈ બંગલો નથી, કેમ કે એ નંબર અપશુકનિયાળ હોવાની માન્યતા છે. 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A એવો નંબર આપવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં નવા મંત્રીઓને બંગલા ફાળવાઈ ગયા છે, પરંતુ અનેક બંગલામાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. કેટલાક મંત્રીઓ હજુ ત્યાં રહેવા આવ્યા નથી. બીજી તરફ, મુળુભાઈ બેરા, કુંવરજી હળપતિ, રાઘવજી પટેલ અને ભીખુસિંહ પરમારે હજુ સુધી બંગલો ખાલી કર્યા નથી, જેના કારણે ફાળવણીની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.