રાજકોટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક, યાર્ડ બહાર 7 કિમી સુધી વાહનોની લાઈનો લાગી
- રાજકોટ યાર્ડમાં એક લાખથી વધુ ગુણીની આવકથી યાર્ડ ઊભરાયું,
- યાર્ડમાં ક્રમવાર 800 વાહનોને પ્રવેશ અપાયો,
- કપાસ અને સોયાબીનની આવક પણ વધી
રાજકોટઃ સૌરાષ્ટ્ર તમામ માર્કેટ યાર્ડમાં હાલ મગફળી, કપાસ સહિત પાકની સારી આવક થઈ રહી છે. જેમાં રાજકોટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ રહી છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીને લીધે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને આવી રહ્યા છે. ગુરૂવારે વહેલી સવારથી જ ખેડૂતો મગફળી લઈને ઉમટી પડતા માર્કેટિંગ યાર્ડની બહાર 800 કરતા વધુ વાહનોનો ઢગલો થતા યાર્ડ બહાર 7 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી. આજે શુક્રવારે પણ મગફળીની રેકર્ડબ્રેક આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડ ચેરમેન સહિતના અગ્રણીની હાજરીમાં વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં મગફળીની 1 લાખ ગુણી જેટલી આવક થઈ હતી.
યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની વિવિધ જણસીઓની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જેને લઈને મગફળી ભરેલા વાહનોની 7 કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. જોકે યાર્ડનાં સત્તાધીશો દ્વારા ક્રમવાર અંદાજે 800 જેટલા વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. મગફળી લઈને આવેલા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ચેરમેન જયેશ બોધરાની હાજરીમાં તમામ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં બપોરે 12 વાગ્યા સુધીમાં વિવિધ જણસીઓની ઉતરાઇ કરવામાં આવી હતી. દરમિયાન મગફળીની 1 લાખ ગુણી આવક નોંધાઈ હતી. આ ઉપરાંત કપાસ અને સોયાબીનની પણ નોંધપાત્ર આવક થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા રૂ. 1352 ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા હતા. જેના કારણે ખેડૂતો મગફળી ટેકાના ભાવે નહીં વેચીને ઓપન માર્કેટમાં વેચતા હતા, પરંતુ ચાલુ વર્ષે ટ્રેન્ડ બદલાયો છે અને ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ ઘણા ઉંચા હોવાથી ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વેંચી રહ્યા છે. ચાલુ વર્ષે સરકારના નિયમ મુજબ એક બારદાનમાં 36 કિલો મગફળીની ભરતી હોવી જરૂરી છે. તેમજ 200 ગ્રામ મગફળીમાં 140 ગ્રામ દાણા નીકળવા જરૂરી છે. સરકાર દ્વારા હાલ વધુમાં વધુ 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.