ઉત્તર ગુજરાતમાં બટાકાનું બમ્પર ઉત્પાદન, કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થયા
ગાંધીનગરઃ ગુજરાતમાં સૌથી વધુ બટાકાની ખેતી ઉત્તર ગુજરાતમાં થાય છે.હાલ ઉત્તર ગુજરાતમાં બટાકાનો પાક તૈયાર થઈ ગયો છે અને કાઢવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ હોળી અને ધુળેટીના કારણે મજૂર મળવા મુશ્કેલ બન્યા છે. બીજી તરફ ગરમી પડી રહી છે. બટાકા બગડી જવાની ચિંતા ખેડૂતોને થઈ રહી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર અને સાબરકાંઠા,બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં બટાકાનું વાવેતર મોટા પાયે થાય છે. છેલ્લા 10 દિવસથી બટાકા ખોદવાનું શરૂ થયું છે, ડીસા પંથકના ખેડૂતોની દર વર્ષની સરખામણીએ આ વખતે બટાટાનું ઉત્પાદન વધારે થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વર્ષે સામાન્ય કરતાં બટાટાનું ઉત્પાદન 10% વધારે વાવેતર થયું હતું. આ ઉપરાંત ઉત્પાદન પણ સામાન્ય કરતાં 10% વધારે આવ્યું છે. જેના લીધે બજારમાં બટાટાની આવક વધારે જોવા મળી રહી છે.
આવક વધારે થતાં પહેલો જે ફાલ આવ્યો એ તો સારી રીતે માર્કેટમાં વેચાઈ ગયો. એ પછી વધારે આવક દેખાતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા બંધ થયા. યોગ્ય ભાવ ન મળ્યા એટલે ખેડૂતોએ પોતાના બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાના શરૂ કર્યા. અત્યારે મોટાભાગના કોલ્ડ સ્ટોરેજ પણ ફુલ થયા છે. જેને લીધે હાલ કેટલાક ખેડૂતોના બટાટા ખેતરમાં પડી રહ્યા છે. પહેલાં ખેતરમાંથી લઈ જતા વેપારીઓ 20 કિલોએ 180 રૂપિયા ખેડૂતોને ચૂકવતા હતા. હાલ કોલ્ડ સ્ટોરેજ ફુલ થઈ ગયા બાદ આ ભાવ ઘટીને 120-125 થઈ ગયો છે. બીજી બાજુ આ વખતે બટાટાનું બિયારણ મોંઘું થયું, ખાતર મોંઘું થયું અને લેબરના ભાવ પણ વધી ગયા એટલે ખેડૂતની પડતર 20 કિલોએ 150 રૂપિયા છે. એટલે ખેડૂતોને એક મણે 25 રૂપિયાનું નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે.
આ સમસ્યાના સમાધાન અંગે વાત કરતાં નરસિંહભાઈ કહે છે કે, જે ખેડૂતના બટાટા હાલ ખેતરમાં છે. તેમણે બટાટા વેચવાની ઉતાવળ ન કરવી જોઈએ. બટાટા સાચવીને રાખવા જોઈએ અને થોડા દિવસ પછી માર્કેટમાં થોડી ડિમાન્ડ વધે ત્યારે બટાટા વેચવા જોઈએ. આ ઉપરાંત સરકારે અગાઉ બીજા રાજ્યમાં પોતાના બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે ખેડૂતોને સબસિડી આપી હતી. આ વર્ષે પણ સરકારે આ પ્રકારની સબસિડી આપવાની જરૂર છે. દેશભરની ચિપ્સ કે ફ્રેન્ચ ફ્રાઈઝનું પ્રોડક્શન કરતી કંપનીઓએ ડીસાથી 15 કિલોમીટર દૂરનો વિસ્તાર પસંદ કર્યો છે. કારણ કે, અહીં વર્ષોથી બટાટાનું જ ઉત્પાદન થતું હોવાથી ક્વોલિટીમાં થોડો ફરક પડી શકે તેમ છે. તે ઉમેરે છે કે, ડીસાનો ખેડૂત ખૂબ પ્રગતિશીલ છે. બટાટા સ્પ્રીંકલરથી પકવે છે. તે જમીન પ્રત્યે જાગૃત છે અને તે હવે આધુનિક પદ્ધતિથી અને જમીનને નુકસાન ન પહોંચે તે રીતે ખેતી કરતો થયો છે.
ગુજરાત કરતાં પણ ઉત્તરપ્રદેશ અને બંગાળમાં બટાટાનું વધારે વાવેતર થાય છે. આ વખતે આ બે પ્રદેશોમાં પણ ખૂબ સારું પ્રોડક્શન થયું છે. જેને લીધે અહીંના વેપારી શરૂઆતથી જ વધારે ભાવે ડીસાના બટાટા ખરીદતા ડરે છે. જેને લઈને ખેડૂતોને બજારમાં ભાવ ઓછા મળે છે. ભાવને જોતાં દર વર્ષ કરતાં આ વર્ષે વધુ ખેડૂતોએ પોતાનો માલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનું નક્કી કર્યું અને તેના કારણે કોલ્ડ સ્ટોરેજ ફુલ થઈ ગયા છે. ગુજરાતમાં કોલ્ડ સ્ટોરેજ પણ વધ્યા છે અને સામે બટાટાનું ઉત્પાદન પણ વધ્યું. ઉત્તરપ્રદેશમાં 50 કિલોના અંદાજે 30 કરોડ જેટલા કટ્ટાનું ઉત્પાદન થતું હોય છે. બંગાળમાં 20-22 કરોડ જ્યારે ડીસામાં 5-7 કરોડ કટ્ટાનું પ્રોડક્શન થાય છે.