સંભલમાં બુલડોઝર કાર્યવાહી: તળાવની જમીન પર બનેલું મેરેજ પેલેસ-મદરેસા તોડી પાડાયું
લખનૌઃ ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં પ્રશાસને બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી. તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલું એક વિશાળ મેરેજ પેલેસ તોડી પાડવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ભારે પોલીસબંદોબસ્ત ગોઠવાયો હતો. મેરેજ પેલેસનો મદરેસા તથા બરાત ધરની જેમ ઉપયોગ થતો હોવાનું જાણવા મળે છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
સંભલના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પેન્સિયાએ જણાવ્યું કે, “અતિક્રમણ વિરુદ્ધની કાર્યવાહી જિલ્લામાં સતત ચાલી રહી છે. આ તળાવની જમીન છે, જેના પર ગેરકાયદેસર મેરેજ પેલેસ બનાવાયો હતો. 30 દિવસ પહેલાં તલાટી કચેરીએ તેને તોડવાનો આદેશ આપ્યો હતો. કોઈ અપીલ ન આવતા આજે ધ્વસ્તિકરણ કરવામાં આવ્યું.”
સંભલના એસપી કે.કે. બિશ્નોઇએ જણાવ્યું કે આ જમીન તળાવ અને ખાતરના ખાડા માટે નિર્ધારિત હતી. ગેરકાયદેસર મેરેજ પેલેસ અનેક એકર જમીન પર બનાવવામાં આવ્યો હતો અને તેને મદરસા તથા ‘બરાત ઘર’ની જેમ ચલાવવામાં આવી રહ્યો હતો. “તેમને પૂરતો સમય આપવામાં આવ્યો હતો, છતાં કાર્યવાહી ન થતા હવે પ્રશાસને પોતે તોડી પાડવાનો નિર્ણય કર્યો છે,” એમ તેમણે ઉમેર્યું.
ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસા બાદ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે તેમજ ગેરકાયદે દબાણને દૂર કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ ગેરકાયદે દબાણ કરનારોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. આ ઉપરાંત હિંસામાં સંડોવાયેલા અસમાજીકતત્વો દ્વારા કરવામાં આવેલા દબાણને અગાઉ તોડી પાડવામાં આવી હતી.