વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવું એ આજે આપણી ટોચની પ્રાથમિકતા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 61 માં પદવી દાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વદેશી અને આત્મનિર્ભરતામાં ગુજરાત વિદ્યાપીઠની ભૂમિકા બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને આત્મ નિર્ભરતાના સંવાહક ગણાવ્યા હતાં. તેમણે વિદ્યાર્થીઓને બાહ્ય પરિસ્થિતિથી હતાશ ન થઈ હિંમત રાખી ઉચ્ચ આદર્શ સાથે અને વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે આગળ વધવા હાકલ કરી હતી. મુર્મૂએ ગુજરાતના ઉદ્યમીઓને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડી છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 9 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા. આજે યોજાયેલા પદવી દાન સમારોહમાં કુલ 1 હજાર 713 વિદ્યાથીઓને પી એચ ડી, એમ ફિલ, સ્નાતક અનુસ્નાતક સહિતની વિવિધ વિદ્યા શાખાઓની પદવી એનાયત કરવામાં આવી.
આ પ્રસંગે સંબોધન કરતા વિદ્યાપીઠના કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને આત્મ નિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે સ્વદેશી અપનાવવા હાકલ કરી હતી.
તેમણે કહ્યું કે, દીક્ષાંત સમારોહ શિક્ષણનો અંત નથી પણ નવી શરૂઆત હોવાનું ગણાવતા વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન સમાજ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શ્રમ, સ્વદેશી અને સ્વાવલંબન જેવા મૂલ્ય આધારિત શિક્ષણ બદલ ગુજરાત વિદ્યાપીઠની કામગીરી બિરદાવી હતી. યુવાઓને વિકસિત ભારતનો મહત્વનો પાયો ગણાવતા શ્રી પટેલે કહ્યું કે યુવા શક્તિ માટે આજનો સમય સુવર્ણ કાળ છે. તેમણે વિદ્યાર્થીઓને કૌશલ્ય, મહેનત અને સંશોધન થકી ભારતને વિકસિત બનાવવામાં યોગદાન આપવા જણાવ્યું હતું.