સરહદ સુરક્ષા માટે BSFએ નવી ‘ડિસીજન સપોર્ટ સિસ્ટમ’ શરૂ કરી
નવી દિલ્હીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ (GIS)થી સજ્જ નવી કંટ્રોલ સિસ્ટમ ‘ડિસીજન સપોર્ટ સિસ્ટમ (DSS)’ની શરૂઆત કરી છે. આ નવી વ્યવસ્થા દ્વારા બીએસએફના કમાન્ડરોએ સરહદ સુરક્ષાથી સંબંધિત મોટા પ્રમાણમાં ડેટાને એકસાથે મેળવી વધુ ઝડપી, ચોક્કસ અને સમજદારીપૂર્ણ નિર્ણયો લઈ શકશે.
ડી.એસ.એસ.માં નકશા, સરહદની વિગતો, વિસ્તારનો ડેટા, લાઈવ ઇનપુટ્સ તેમજ જૂના ઓપરેશનોનો રેકોર્ડ હશે. આ સિસ્ટમ એઆઈ અને મશીન લર્નિંગ દ્વારા સંભવિત ઘુસણખોરીના માર્ગો તથા અસામાન્ય પ્રવૃત્તિઓની આગાહી કરી શકશે. આ માહિતીથી જવાનો, સાધનો અને વાહનોનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બનશે અને ઓપરેશનોની યોજના પણ સરળ બની રહેશે. સિસ્ટમના ઉદ્ઘાટન પ્રસંગે બીએસએફના મહાનિદેશક દલજીત સિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ટેક્નોલોજીથી બીએસએફ વધુ સશક્ત બનશે અને ઉદ્ભવતા ખતરાનો સમયસર સામનો કરી રાષ્ટ્રીય હિતોની સુરક્ષા કરી શકાશે.