Breaking: પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન
મુંબઈ, 24 નવેમ્બર, 2025: Veteran actor Dharmendra passes away હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે સોમવારે મુંબઈમાં નિધન થયું હતું. પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર તેમના મૃતદેહને વિલે પાર્લે સ્મશાન ગૃહ લઈ જવાયો હતો. અમિતાભ બચ્ચન તેમજ અભિષેક બચ્ચન સહિત હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજો સ્મશાન ગૃહ પહોંચ્યા હોવાનો અહેવાલ સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે.
89 વર્ષના ધર્મેન્દ્ર છેલ્લા થોડા સમયથી બીમાર હતા. ગયા અઠવાડિયે તેમની તબિયત વધારે કથળતાં તેમના નિધનની અફવા સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી અને કેટલાક મીડિયાએ પણ એ સમાચાર વહેતા કરી દીધા હતા. જોકે, ત્યારે તેમની તબિયતમાં સુધારો થયો હતો અને તેમને હોસ્પિટલથી ઘરે લઈ જવામાં આવ્યા હતા.
જોકે, આજે 24 નવેમ્બરને સોમવારે હિન્દી ફિલ્મ જગતના આ હી મેને દુનિયામાંથી વિદાય લઈ લીધી છે.
ફિલ્મફેર સામયિકે પણ ધર્મેન્દ્રના નિધનના સમાચાર આપ્યા હતા અને આ પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ભારતીય સિનેમા આજે તેના સૌથી પ્રિય અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરે છે. તેમને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને સાજા થયા બાદ ઘરે જ રાખવામાં આવ્યા હતા. જોકે હવે તેઓ એક વિશાળ વારસો છોડી ગયા છે. સાઠ વર્ષથી વધુ સમયથી હિન્દી સિનેમામાં તેઓ પુરુષત્વના (હી મેન) પ્રતીક રહ્યા હતા. તેમણે 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
8 ડિસેમ્બર, 1935 ના રોજ પંજાબના નસરાલીમાં જન્મેલા ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ એક શાળા શિક્ષકના પુત્ર હતા. પ્રારંભિક જીવનમાં જોકે તેઓ સિનેમાની ગ્લેમરસ દુનિયાથી ઘણા દૂર હતા. જો કે, નાના શહેરના છોકરાથી માંડીને ભારતીય સિનેમાના મહાન આઇકોન પૈકી એક બનવાની તેમની સફર દંતકથા છે. ૧૯૫૦ ના દાયકાના અંતમાં ફિલ્મફેર દ્વારા આયોજિત પ્રતિભા સ્પર્ધા જીત્યા પછી તેઓ મુંબઈ પહોંચ્યા હતા. ધર્મેન્દ્રએ ૧૯૬૦ માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ ૧૯૬૦ ના દાયકાના મધ્યમાં તેમણે આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર અને આય દિન બહાર કે ફિલ્મોથી લોકપ્રિયતા મેળવી.
1960 અને 1970ના દાયકા ધર્મેન્દ્રના દાયકા તરીકે ઓળખાવી શકાય. આ ગાળામાં અનુપમા (1966), ચુપકે ચુપકે (1975), ફૂલ ઔર પથ્થર (1966), મેરા ગાંવ મેરા દેશ (1971) અને સૌથી સફળ ફિલ્મ શોલે (1975) જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું અને અપ્રતિમ લોકચાહના મેળવી.