બ્રાઝિલ હવે સોશિયલ મીડિયા કંપનીઓ યુઝર કન્ટેન્ટ માટે જવાબદાર રહેશે
એક ઐતિહાસિક આદેશમાં બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવતી સામગ્રી માટે જવાબદાર ઠેરવવાનો માર્ગ મોકળો કર્યો. કોર્ટનો આ આદેશને અમલમાં આવવામાં હવે ફક્ત થોડા અઠવાડિયા લાગશે. સુપ્રીમ કોર્ટમાં 8-3 ની બહુમતીથી પસાર થયેલા આ નિર્ણય હેઠળ, ગૂગલ, મેટા અને ટિકટોક જેવી ટેક કંપનીઓની જવાબદારી રહેશે કે તેઓ તેમના પ્લેટફોર્મ પર નફરતભર્યા ભાષણ, જાતિવાદ અને હિંસા ભડકાવનાર સામગ્રી પર નજર રાખે અને સમયસર આવી સામગ્રી દૂર કરે.
આ આદેશ પછી, જો કોઈ સોશિયલ મીડિયા કંપની પીડિત દ્વારા વાંધો ઉઠાવવા છતાં ગેરકાયદેસર સામગ્રી દૂર ન કરે, તો તે કંપની સામે કાનૂની કાર્યવાહી કરી શકાય છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું નથી કે કઈ સામગ્રી ગેરકાયદેસર ગણાશે, તે દરેક કેસના આધારે નક્કી કરવામાં આવશે. અત્યાર સુધી બ્રાઝિલમાં કાયદો હતો કે કંપનીઓ કોર્ટના આદેશ પછી જ સામગ્રી દૂર કરવા માટે બંધાયેલી હતી, પરંતુ ઘણીવાર આ નિયમનું પાલન કરવામાં આવતું ન હતું. નવો આદેશ આ નિયમને વધુ મજબૂત બનાવે છે. આ આદેશ બે કેસ પર આધારિત છે જેમાં સોશિયલ મીડિયા કંપનીઓ પર છેતરપિંડી, બાળ પોર્નોગ્રાફી અને હિંસા ફેલાવનારા વપરાશકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો સોશિયલ મીડિયા કંપનીઓ સાબિત કરે છે કે તેઓએ ગેરકાયદેસર સામગ્રી દૂર કરવા માટે સમયસર જરૂરી પગલાં લીધાં છે, તો તેઓ જવાબદાર રહેશે નહીં. આ નિર્ણય અમેરિકા અને બ્રાઝિલ વચ્ચેના સંબંધોમાં તણાવનું કારણ પણ બન્યો છે.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ચેતવણી આપી છે કે જો અમેરિકન નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સેન્સરશીપ લાદવામાં આવશે, તો બ્રાઝિલના અધિકારીઓ પર વિઝા પ્રતિબંધો લાદી શકાય છે.