ઊર્જા સુરક્ષા અને 'વિકસિત ભારત'ના 100 GW ન્યુક્લિયર લક્ષ્યાંક પર મંથન
અમદાવાદઃ વિકસિત ગુજરાતના સંકલ્પને વેગ આપવા અને રાજ્યને ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમનું કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પ્રથમ દિવસે "Onshore & Offshore Wind: Unlocking the Untapped Potential" શીર્ષક હેઠળ એક મહત્ત્વપૂર્ણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચર્ચામાં ગુજરાતના દરિયાકાંઠા અને જમીન એમ બંને વિસ્તારોમાં રહેલી પવન ઊર્જાની અખૂટ સંભાવનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.સ્વાગત પ્રવચનથી ચર્ચા સત્રની શરૂઆત બાદ 'ઓફશોર વિન્ડ' પરની AV ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ મહત્ત્વપૂર્ણ ચર્ચા સત્રનું સંચાલન ડો. હંસ-પીટર (ઇગોર) વાલ્ડલ (કો-ઓનર & મેનેજિંગ ડાયરેક્ટર, ઓવરસ્પીડ GmbH & Co. KG) અને જિથ મેનન (વાઇસ પ્રેસિડેન્ટ & હેડ - ગ્રીન બિઝનેસ, Aban Power Ltd.) દ્વારા કરવામાં આવ્યું હતું.
પેનલ ડિસ્ક્સનમાં પવન ઊર્જાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ભાગ લીધો હતો. સહભાગીઓમાં જેસ્પર બેડીયા જેન્સેન (હેડ ઓફ સેક્રેટરીએટ, સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ઓફશોર વિન્ડ એન્ડ રિન્યુએબલ એનર્જી), ફિલિપ જોસેફ ટ્રેમર (પ્રોજેક્ટ મેનેજર, જર્મન ઓફશોર વિન્ડ એનર્જી ફાઉન્ડેશન), ડો. રાજેશ કટિયાર (ડાયરેક્ટર જનરલ, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વિન્ડ એનર્જી), આદિત્ય પ્યાસી (સીઈઓ, IWTMA) અને એસ.બી. પાટીલ (ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર, KP Green Energy Limited) સહિતના મહાનુભાવોનો સમાવેશ થતો હતો.
પેનલ ડિસ્કશનમાં ગુજરાતને પવન ઊર્જા ક્ષેત્રે વૈશ્વિકસ્તરે અગ્રેસર બનાવવા માટે જરૂરી નીતિઓ, તકનીકી આદાનપ્રદાન અને ખાનગી રોકાણ આકર્ષવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ત્યાર બાદ પ્રશ્નોત્તર સત્રમાં ઓફશોર એન્ડ ઓનશોર વિન્ડ એનર્જી અંગે ઉપસ્થિત શ્રોતાઓએ પોતાના સવાલો અને અભિપ્રાયો અંગે નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ ચર્ચાસત્રના સફળ આયોજન દ્વારા ગુજરાત સરકારે સ્વચ્છ ઊર્જા અને વિકસિત ગુજરાતના લક્ષ્યોને પૂર્ણ કરવા માટેની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.