ઢાકામાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર, કોણે જશે નુકસાન ?
બાંગ્લાદેશની યુનુસ સરકારે કોલકાતા અને ત્રિપુરાથી પોતાના 2 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં અગરતલામાં બાંગ્લાદેશી હાઈ કમિશનમાં ઘૂસણખોરી થઈ હતી અને બાદમાં કોલકાતામાં ડેપ્યુટી હાઈ કમિશનની બહાર પણ દેખાવો થયા હતા. આ ઘટનાઓને કારણે બાંગ્લાદેશની વચગાળાની સરકારે 3 ડિસેમ્બરે રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો હતો. જો કે હવે આ માહિતી સામે આવી છે.
કોલકાતામાં બાંગ્લાદેશના કાર્યવાહક ડેપ્યુટી હાઈ કમિશનર મોહમ્મદ અશરફુર રહેમાન ઢાકા પહોંચી ગયા છે. તેઓ બાંગ્લાદેશ સરકારના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈનને પણ મળ્યા હતા. ત્રિપુરાના બાંગ્લાદેશી આસિસ્ટન્ટ હાઈકમિશનર આરિફ મોહમ્મદ હાલમાં ઢાકા જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ અગરતલા-કોલકાતાની ઘટનાના જવાબમાં બાંગ્લાદેશમાં પણ દેખાવો થઈ રહ્યા છે. ગુરુવારે બાંગ્લાદેશી નેતાઓએ ઢાકામાં ભારતીય સાડીઓને સળગાવીને ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.
બાંગ્લાદેશ સરકારે હજુ એ જણાવ્યું નથી કે બંને રાજદ્વારીઓને ક્યારે ભારત પરત મોકલવામાં આવશે. અગરતલા હાઈ કમિશનને ફરીથી ખોલવા અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને રાજદ્વારીઓ ભારતમાં બાંગ્લાદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની સ્થિતિ પર રિપોર્ટ રજૂ કરશે. ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની બાંગ્લાદેશમાં ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. વિશ્વમાં કપડાં ઉદ્યોગમાં બાંગ્લાદેશે છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ સારી પ્રગતિ કરી છે. પરંતુ શેખ હસીનાની સ્થિર સરકાર ગબડી પડવાથી હાલ વિશ્વના દેશો બાંગ્લાદેશ માટે થોભો અને રાહ જુઓની નીતિથી આગળ વધી રહ્યા છે. જેનો સીડો જ ફાયદો ભારતને થયો છે.
સુરતમાં ટેક્સટાઈલ બજારને તેનો લાભ મળી રહ્યો છે. બાંગ્લાદેશ ની પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશા ભારતની સરહદને સ્પર્શ કરે છે. તો દક્ષિણ દિશામાં બંગાળની ખાડી છે. 1971 માં પાકિસ્તાનમાંથી છુટું પડેલું બાંગ્લાદેશ તે સમયે ધર્મ નિરપેક્ષ હતું પરંતુ કટ્ટરવાદી તત્વો બેકાબુ બનતા અહી પણ પાકિસ્તાનની જેમ જ મીલીટરી શાસન લાગુ કરવામાં આવ્યા હતા. હાલમાં યુનુસ સરકાર રખેવાળ સરકારની જેમ કામ કરે છે પરંતુ કટ્ટરવાદી તત્વોના હાથમાં બાંગ્લાદેશ આવી ગયું હોય તે સ્પષ્ટ છે.
મહત્વપૂર્ણ છે કે હસીના સરકારના ગયા પછી હિંદુ મંદિરો અને હિંદુઓ પર જોર જુલમ હિંસા ખુબ વધી ગયા છે. ભારત ઉપરાંત બ્રિટન અને અમેરિકા પણ બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર થતા હુમલાને વખોડી ચુક્યા છે. ત્યારે હવે બાંગ્લાદેશ જો ભારતની વસ્તુઓ ખરીદવાનું બંધ કરશે તો તેને જ વધારે નુકસાન જાય તેવી શક્યતા છે. કેમ કે બાંગ્લાદેશ ચીન પછી સૌથી વધુ નિકાસ કરતુ હોય તો તે ભારત છે. આમ ભારત એ બાંગ્લાદેશનો બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર છે. તેની કુલ નિકાસના 12 ટકા માલ તે ભારતને વેચે છે. તો ભારત તેના કુલ નિકાસના 3 ટકા માલ બાંગ્લાદેશને વેચે છે.
ibef.org પર ઉપલબ્ધ ડેટા અનુસાર, બાંગ્લાદેશ ભારતનું મુખ્ય વેપારી ભાગીદાર અને બીજા ક્રમનું સૌથી મોટું નિકાસ ભાગીદાર છે. નાણાકીય વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે કુલ 14.22 અબજ ડોલરનો વેપાર થયો હતો. FY23માં ભારતથી બાંગ્લાદેશમાં 6,052 વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. આ નિકાસનો આંકડો $12.20 બિલિયન હતો, જે FY22માં $16.15 બિલિયન કરતાં ઓછો હતો. ભારત બાંગ્લાદેશમાં જે વસ્તુઓની નિકાસ કરે છે તેમાં મુખ્યત્વે કોટન યાર્ન, પેટ્રોલીયમ, કોટન ફેબીક્સ હેન્ડલુમ ઉત્પાદનો અને ઓર્ગેનિક અને બિન ઓર્ગેનિક કેમિકલ્સનો સમાવેશ થાય છે. તો બીજી બાજુ ભારત બાંગ્લાદેશમાંથી જે ચીજવસ્તુઓની આયાત કરે છે તેમાં RMG કોટન, કોટન ફેબ્રીક્સ, તૈયાર કપડાં, મરી મસાલા અને શણ છે અને હા બાંગ્લાદેશની હિલ્સા માછલીને કેમ ભૂલાય? બાંગ્લાદેશ વિશ્વની લગભગ 70 ટકા હિલ્સા માછલીનું ઉત્પાદન કરે છે, બંગાળમાં હિલ્સા માછલી વિના કોઈ પણ શુભ કાર્યની કલ્પના કરી શકાતી નથી. તે બંગાળીઓ માટે વિશેષ છે અને વર્ષોથી અહીંની સંસ્કૃતિનો એક ભાગ છે.
હિલ્સા માછલી પાછળ ઘણી વાર્તાઓ છે. જેમ કે તેને માછેર રાજા એટલે કે માછલીનો રાજા કહેવામાં આવે છે. આ માછલી બાંગ્લાદેશની નદીઓ અને ખાડીઓના તાજા પાણીમાં રહે છે અને તેથી આ માછલી સમુદ્ર અને નદીના પાણીનો વિશેષ સ્વાદ ધરાવે છે. એટલે કે તેમાં નદીની મીઠાશ અને ખાડીનું મીઠું હોય છે. તેને પવિત્ર પણ માનવામાં આવે છે. દુર્ગાપુજાના સમયે પશ્ચિમ બંગાળમાં વસતા બંગાળીઓ હિલ્સા માછલીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે, બાંગ્લાદેશ દર વર્ષે 3000 થી 5000 ટન માછલીની નિકાસ ભારતમાં કરે છે. હિલ્સા બાંગ્લાદેશની રાષ્ટ્રીય માછલી પણ છે. ત્યારે હવે જોવાનું એ છે કે ભારતની વસ્તુઓનો બહિસ્કાર કરી બાંગ્લાદેશ તેના જ પગ પર કેટલી ઊંડી કુહાડી મારે છે.