કચ્છના નાની સિંચાઈ યોજનાના 170માંથી 95 જળાશયોના તળિયા દેખાયા
- ઉનાળાના અસહ્ય તાપમાનને લીધે જળસપાટીમાં ઘટાડો થયો,
- 24 એમ.સી.એફ.ટી. જીવંત સંગ્રહશક્તિમાંથી 2782.83 પાણી બચ્યું
- 95 જળાશયો ખાલીખમ થતાં જુનમાં સિચાઈ માટે ખેડુતોને મુશ્કેલી પડશે
ભૂજઃ કચ્છમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે અસહ્ય તાપમાનને લીધે જિલ્લાના જળાશયોમાં જળસપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લાના દસ તાલુકાના ગામડાંઓમાં નાની સિંચાઈના કુલ 170 ડેમોમાંથી 95 ડેમોમાં પાણી સીલ લેવલ કરતા નીચે ઉતરી ગયું છે. એટલે કે તળિયે પહોંચી ગયું છે. જો જૂન મહિનાથી વરસાદ નહીં વરસે તો નાની સિંચાઈ ઉપર આધારિત ખેતીવાડી ઉપર માઠી અસર પડશે.
કચ્છ જિલ્લામાં નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. પણ સિંચાઈ માટે નર્મદા સિવાય નાની સિંચાઈ યોજનાના પર ખેડુતોને આધાર રાખવો પડે છે. હાલ ઉનાળાની અસહ્ય ગરમીને કારણે જળાશયોમાં જળ સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. નાની સિંચાઈ યોજનાના 170માંથી 95 જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જેમાં ભુજ તાલુકાના 35માંથી 24, અંજાર તાલુકાના 12માંથી 5, માંડવી તાલુકાના 21માંથી 1, મુન્દ્રા તાલુકાના 11માંથી 2, નખત્રાણા તાલુકાના 16માંથી 11, લખપત તાલુકાના 17માંથી 9, અબડાસા તાલુકાના 24માંથી 7, રાપર તાલુકાના 16માંથી 16, ભચાઉ તાલુકાના 18માંથી 18 મળીને કુલ 95 ડેમોમાં પાણી તળિયે પહોંચી ગયું છે. કુલ 170 ડેમોમાં 9404.24 એમ.સી.એફ.ટી. જીવંત સંગ્રહ શક્તિ છે, જેમાંથી હવે 2782.83 એમ.સી.એફ.ટી. પાણી બચ્યું છે. આમ, 6621.41 એમ.સી.એફ.ટી. પાણી ખતમ થઈ ગયું છે. મે મહિનામાં સૂર્યનો પ્રખર તાપ પાણી શોષવા લાગશે તો જળાશયોના તળિયા પણ સૂકાઈને તિરાડોવાળા થઈ જશે.