ભાવનગરમાં બોર તળાવ 43 ફુટની સપાટીએ છલકાયું, કોંગ્રેસે કર્યા નવા નીરના વધામણા
- ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બોર તળાવ છલોછલ ભરાતા 7 દરવાજા ખોલાયા,
- બોર તળાવ છલકાતા ભાવનગરમાં પાણીની સમસ્યા નહીં રહે,
- સૌની યોજનાનું પાણી પૈસા ખર્ચીને પ્રજાને પીવા માટે મજબૂર કરી: કોંગ્રેસ
ભાવનગરઃ શહેરનું બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ઉપરવાસમાં વરસાદને લીધે 43 ફુટે છલોછલ ભરાતા 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. બોર તળાવ છલોછલ ભરાતા શહેરના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નવા નીરના વધમણા કર્યા હતા. બોર તળાવ ભરાતા હવે ઉનાળામાં પણ શહેરને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે, શહેરીજનો પણ નવા નીરને નીહાળવા માટે બોર તળાવના કિનારે ઉમટી રહ્યા છે.
ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ ઓવરફ્લો થયું છે, જેના કારણે સમગ્ર શહેરમાં ખુશીની લહેર ફેલાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે, 43 ફૂટની સપાટીએ પહોંચતા જ બોરતળાવના સાતેય દરવાજા ખોલવામાં આવ્યા હતા. શહેરીજનો ઘણા લાંબા સમયથી બોર તળાવ છલકાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ આ આતુરતાનો અંત આવ્યો અને તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું છે. બોરતળાવ છલકાયાના સમાચારથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બોર તળાવમાં નવા નીરના વધામણાં કરવા માટે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા. જળાશયોમાં નવા નીરના વધામણાં વિષય પર બોલતા પ્રકાશ વાઘાણીએ જણાવ્યું કે, “આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરવા પડે. તેમની દીર્ઘદૃષ્ટિ હતી કે મારી પ્રજા પાણીથી વંચિત ન રહે. કમનસીબે, આ શાસકોના કારણે ભર ઉનાળે બોરતળાવ છલોછલ ભરાયેલું હોવા છતાં પણ પાણી નહોતા આપી શકતા.
વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, “ભારતીય જનતા પાર્ટીના શાસકોએ બોરતળાવ ભરાઈ ગયા પછી પણ સૌની યોજનાનું પાણી ભાવનગરની પ્રજાને પૈસા ખર્ચીને પીવા માટે મજબૂર કરી છે. આ કેવા પ્રકારનો અન્યાય છે? કોંગ્રેસ પક્ષની રજૂઆત બાદ આ શાસકોને બુદ્ધિ આવી કે બોરતળાવ ભરાયેલું છે. ત્યારે આજે ભાવનગરની પ્રજા બોરતળાવનું પાણી પી રહી છે.