દિવાળીના વેકેશન પહેલા જ લાંબા રૂટ્સની મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ
- મસૂરી, શિમલા-મનાલી, ગોવા, કેરળ અને જમ્મુ સહિતના રૂટ પર પ્રવાસીઓનો ધસારો,
- 18 થી 26 ઓક્ટોબર દરમિયાન લાંબારૂટ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ,
- કન્ફર્મ ટિકિટ ન મળતા બસ, કાર, ફ્લાઈટના બુકિંગ માટે ધસારો
અમદાવાદઃ દિવાળીના તહેવારોને સવા મહિના જેટલો સમય બાકી છે. અને દિવાળીના વેકેશનમાં ફરવા માટે લોકો ટ્રેનોનું બુકિંગ કરાવી રહ્યા છે. જેના લીધે લાંબા રૂટની મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ ફુલ થઈ જતા નો વેકન્સી જેવી સ્થિતિ છે. દિવાળી અને છઠ્ઠના તહેવારને લીધે મોટાભાગના ઉત્તર પ્રદેશ અને બિહારના અમદાવાદ સહિત શહેરોમાં વસતા શ્રમિકો પોતાના માદરે વતન જવા માટે ટ્રેનોમાં બુકિંગ કરાવી દીધુ છે. જ્યારે પ્રવાસન સ્થળો, હિલ સ્ટેશનોમાં ફરવા જવા માટે ટ્રેનોમાં બુકિંગ ફુલ થઈ ગયા છે. જોકે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસન સ્થળો, હિલ સ્ટેશનો, દરિયાકાંઠા તથા પ્રાકૃતિક સૌંદર્યસભર જગ્યાઓ પર સહેલાણીઓની ભારે ભીડ ઉમટે છે. દિવાળીના તહેવારને હજી એક મહિનો જેટલો સમય બાકી હોવા છતાં અમદાવાદ સહિત શહેરોથી દેશના અલગ–અલગ રાજ્યોને જોડતી લાંબારૂટની ટ્રેનોમાં હાઉસફુલની સ્થિતિ સર્જાઈ છે. તહેવારોના મુખ્ય પાંચ–છ દિવસ એટલે કે 18 થી 26 ઓક્ટોબર દરમિયાન મોટાભાગની લાંબારૂટ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. હાલની સ્થિતિમાં અનેક ટ્રેનોમાં સ્લીપર કલાસમાં વેઈટિંગ 100થી પાર પહોંચી ગયું છે, જ્યારે એસી કોચોમાં પણ 50થી 70 વચ્ચેનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. કેટલીક ટ્રેનોના ક્લાસ તો રીગ્રેટ (ટિકિટ બુકિંગ બંધ) થઈ ગયા છે.
સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદથી જતી ટ્રેનોમાં મસૂરી, શિમલા, કુલુમનાલી, ગોવા, પંચમઢી, દિલ્હી, રાજસ્થાન, ચંદીગઢ, બેંગ્લોર, કેરળ, તમિલનાડુ અને જમ્મુ જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળોની ટ્રેનોમાં સૌથી વધુ ભીડ જોવા મળી રહી છે. સ્લીપર તથા એસી બંને કોચોમાં ભારે વેઈટિંગ હોવાને કારણે પ્રવાસીઓ માટે તહેવારની રજાઓમાં મુસાફરી કરવી મુશ્કેલ બની રહી છે.હાલની સ્થિતિ પરથી અંદાજ લગાવી શકાય છે. કે, આ દિવાળી તહેવારોમાં દેશભરના હિલ સ્ટેશનો, દરિયાકાંઠા તથા પ્રવાસન સ્થળોએ રેકોર્ડતોડ ભીડ જોવા મળશે. અત્યારથી જ લોકો પરિવાર સાથે ફરવા જવાનો પ્લાનિંગ બનાવી ચૂક્યા છે. અને ટ્રેનોની હાલની સ્થિતિ તેનો પુરાવો છે. કન્ફર્મ ટિકિટ ન મળતા અનેક પ્રવાસીઓને પ્રાઇવેટ બસો, કાર કે ફ્લાઇટ તરફ વળવું પડશે. રેલવે વિભાગ દ્વારા હજી સુધી તહેવારની સ્પેશિયલ ટ્રેનો જાહેર કરાઈ નથી, પરંતુ મુસાફરોમાં આશા છે કે આગામી દિવસોમાં વધતી માંગને પહોંચી વળવા માટે રેલવે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરશે