પૂર્વી દિલ્હીની એક પ્રાઇવેટ સ્કૂલમાં બોમ્બની ધમકી વિદ્યાર્થીઓ-વાલીઓમાં ફફડાટ
નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વધુ એક સ્કૂલને બોમ્બની ધમતી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો હતો. લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે પોલીસ ટીમે બોમ્બ સ્કવોર્ડની મદદથી સમગ્ર સ્કૂલ સંકુલમાં તપાસ કરી હતી. જો કે, તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ મળી નહીં આવ્યાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી એક પ્રાઇવેટ સ્કૂલમાં આજે સવારે બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળતા ભારે નાસભાગ મચી ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 10.40 કલાકે કંટ્રોલ રૂમને આ ધમકીભર્યો કોલ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લવલી પબ્લિક સ્કૂલની અંદર વિસ્ફોટક રાખવામાં આવ્યો છે.
ધમકી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટી એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે ફાયર ટેન્ડર, બોમ્બ નિરોધક દળ, ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમો તાત્કાલિક મોકલી દેવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે, શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર સ્ટાફને શાળાના બિલ્ડિંગમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ સમગ્ર શાળા પરિસરને ઘેરી લેવામાં આવ્યું છે અને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોવાની માહિતી નથી.
(PHOTO-FILE)