પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ, 24 લોકોના મોત
લાહોરઃ પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે સવારે થયેલા પ્રચંડ બોમ્બ વિસ્ફોટમાં 24 લોકોના મોત થયા છે જ્યારે 46થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
ડોન ન્યૂઝ અનુસાર, બોમ્બ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે એક ટ્રેન પ્લેટફોર્મ પરથી પેશાવર જવા માટે તૈયાર હતી. અહેવાલમાં ક્વેટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) મોહમ્મદ બલોચના હવાલાથી કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટમાં 24 લોકોના મોત થયા છે અને 46 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં આ ઘટના આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ચોક્કસપણે કંઈપણ કહેવું વહેલું ગણાશે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
હાલ કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. બ્લાસ્ટ સમયે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ હતી. જાફર એક્સપ્રેસ સ્ટેશનથી નીકળી રહી હતી તે સમયે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તે એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટ હતો.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના આ ભાગમાં અવારનવાર બોમ્બ બ્લાસ્ટ થતા રહે છે. થોડા દિવસો પહેલા પણ ઉત્તર વજીરિસ્તાનમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા. આ સિવાય ખૈબર પખ્તુનખ્વામાં એક સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં બે બાળકોના મોત થયા હતા. આના થોડા દિવસો પહેલા બલૂચિસ્તાનમાં એક સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં પાંચ સ્કૂલના બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા જ્યારે ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા હતા.