જાફરાબાદના દરિયામાંથી ગુમ થયેલામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો
- જાફરાબાદના અરબી સમુદ્રમાં ત્રણ બોટએ જળ સમાધિ લીધી હતી,
- બોટમાં સવાર 11 માછીમારો ગુમ થયા હતા,
- હજુ 8 માછીમારો લાપત્તા છે
અમરેલીઃ થોડા દિવસો પહેલાં જાફરાબાદની બે અને રાજપરા ગામની એક એમ ત્રણ બોટએ દરિયામાં જળ સમાધિ લઈ ગઈ હતી. ત્રણેય બોટમાં સવાર 11 માછીમારો ગુમ થયા હતા. જેમાંથી બે માછીમારો મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ આજે શુક્રવારે વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. એમ અત્યાર સુધી 3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. હજુ 8 માછીમારો લાપત્તા છે.
આ બનાવની વિગત એવી હતી કે, થોડા દિવસો પહેલાં જાફરાબાદની બે અને રાજપરા ગામની એક બોટ દરિયામાં જળ સમાધિ લઈ ગઈ હતી. આ ઘટનામાં બોટમાં સવાર 11 માછીમારો લાપતા બન્યા હતા. જાફરાબાદની બે બોટ અને ગીર સોમનાથના રાજપરાની એક બોટમાં કૂલ 28 માછીમારો હતા. જેમાંથી 17 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે 11 માછીમારો ગુમ થયા હતા. જેમાંથી અત્યાર સુધી 3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. હજુ 8 માછીમારોનો કોઈ પત્તો લાગ્યો નથી. આજે માછીમાર હરેશ બારૈયા (રહે. વાસી-બોરસી, જલાલપુર, નવસારી)નો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો હતો.
આ ઘટનામાં હજુ પણ 8 માછીમારો લાપતા છે, જેમની શોધખોળ કોસ્ટગાર્ડની ટીમ અને સ્થાનિક માછીમારો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે. કોસ્ટગાર્ડની ટીમ સાથે હવે માછીમારોની 10 બોટ પણ આ શોધખોળમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે મૃતદેહો શોધવામાં તકલીફ પડી રહી છે.