નળ સરોવરમાં બોટિંગ બંધ કરાતાં નાવિકો બન્યા બે રોજગાર
- હરણી બોટકાંડ બાદ ઘડાયેલા સુરક્ષાના નિયમો પૂરા કરવામાં નાવિકો અસમર્થ
- પ્રવાસીઓ બોટમાં બેસીને વિદેશી પક્ષીઓનો નજારો માણી શકતા હતા
- નળ સરોવર કાંઠાના ગામડાંના નાવિકોની રોજગારી છીનવાઈ
અમદાવાદઃ જિલ્લાના સાણંદ નજીક આવેલું નળ સરોવર સુરેન્દ્રનગર જિલ્લા સાથે પણ જોડાયેલુ છે. છેલ્લા કેટલાક વર્ષોથી નળ સરોવરનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થયો છે. નળસરોવર પક્ષી અભયારણ્ય તરીકે પણ પ્રખ્યાત છે. 120 કિમીમાં પથરાયેલા નળસરોવરમાં દર વર્ષે સફેદ સ્ટોર્ક, ફ્લેમિંગો, સાઈબેરીયન ક્રેન જેવી 140થી વધુ પ્રજાતિના 3.20 લાખ પક્ષીઓ મુકામ કરે છે. પેલિકન, એશિયન ઓપનબિલ જેવી જાતિના વિદેશી પક્ષીઓ રાજ્યના સૌથી મોટા વેટલેન્ડને પોતાનું ઘર બનાવે છે. હજારો પ્રવાસીઓએ બોટમાં બેસી દેશી-વિદેશી પક્ષીઓનો નજારો માણતા હોય છે. પરંતુ વડોદરાના હરણી બોટકાંડ બાદ આ વર્ષે નળસરોવરમાં બોટિંગ બંધ કરી દેવાયું છે. જેના કારણે જિલ્લાના લીંબડી અને અમદાવાદ જિલ્લાના વિરમગામ, બાવળાના ગ્રામ્ય વિસ્તારોના નાવિકોની રોજગારી છિનવાઈ ગઈ છે.
અમદાવાદ નજીક આવેલા અને 120 કિલોમીટરમાં પથરાયેલા નળ સરોવરના છીછરા પાણીમાં છબછબિયા કરવા માટે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઉતરી આવ્યા છે. વિદેશી પક્ષીઓને નજીકથી વિહરતા જોવાનો પણ એક લહાવો હોય છે. પણ આ વર્ષે બોટસેવા બંધ કરી દેવાતા પ્રવાસીઓ કાંઠે ઊભા રહીને જ વિદેશી પક્ષીઓને નિહાળી શકશે. બોટસેવા બંધ કરાતા સરોવરના કાંઠા વિસ્તારના અનેક ગામોના નાવિકો બેરોજગાર બન્યા છે. મોટી કઠેચી ગામના હોડી ચલાવતા નાવિકે જણાવ્યું હતું કે વિરમગામ તાલુકાના વેકરિયા ગામના હોડી ચાલકો, કાયલા ગામના લોકો પ્રવાસીઓને ઘોડા ઉપર બેસાડીને રોજગારી મેળવતા હતા. લીંબડીના નાની-મોટી કઠેચી, રાણાગઢ વગેરે ગામોના નાવિકો નળસરોવરમાં બોટિંગ બંધ થતાં બેકારીનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે છિછરું પાણી હોવા છતાં બોટિંગ બંધ કરાયું કરાયું છે. અનેક પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. વન વિભાગના આરએફઓના કહેવા મુજબ હરણી બોટ કાંડ બાદ લોકોની સુરક્ષાના નિયમોમાં ફેરફાર કરાયો છે. નાવિકોએ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.