હિટ એન્ડ રન કેસનાં આરોપી રક્ષિતે ગાંજાનો નશો કર્યાનો બ્લડ રિપોર્ટમાં ખુલાસો
વડોદરાઃ વડોદરા હિટ એન્ડ રનમાં એક મહિલાનું મોત નિપજાવનાર રક્ષિત ચૌરસિયાના લેવામાં આવેલા બ્લડ સેમ્પનો રિપોર્ટ આવી જતા DCP પન્ના મોમાંયએ પત્રકારોને આ કેસ અંગે જાણકારી આપી હતી. વડોદરાનાં બહુચર્ચિત હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાના બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટમાં તેણે ગાંજાનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતનાં 20 દિવસે રિપોર્ટ આવ્યો હતો.
રક્ષિત ચોરસિયાએ એના મિત્ર સુરેશ ભરવાડનાં ઘરે ગાંજાનો નશો કર્યો હતો. અને કાર લઈને નીકળ્યાં હતો. અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજયું હતું. રક્ષિત સામે NDPS એક્ટનો અલગથી ગુનો નોંધાયો. રક્ષિત ચોરસિયા, સુરેશ ભરવાડ, પ્રાંશુ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. રક્ષિતનાં મિત્ર પ્રાંશુ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે જોકે મિત્ર સુરેશ ભરવાડ ફરાર છે.
વડોદરામાં રક્ષિત ચૌરસિયાએ હોળીના દિવસે રાત્રે 8 લોકોને અડફેટે લીધા હતા. આરોપી રક્ષિત ચૌરસિયા સામે સાપરાધ મનુષ્યવધ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો, ત્યારે આ આરોપીને મોઢાના ભાગે ઈજાઓ હોવાથી તેની સારવાર જેલના ડોક્ટર પાસે કરવામાં આવી રહી હતી.
જ્યારે વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન વિભાગમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેના મોઢાના ભાગે ઈન્જરી હોવાથી ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે અને આગામી દિવસોમાં સર્જરી થઈ શકે તેવી માહિતી બહાર આવી છે.
આ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું કે, હાલમાં તેની સારવાર સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે. આરોપીને સર્જરી વિભાગમાં લાવવામાં આવ્યો હતો અને તેની ચકાસણી કરવામાં આવી હતી.