દેવબંદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો બ્લોસ્ટ, 3ના મોત
લખનૌઃ દેવબંદમાં ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ સમયે ફેક્ટરીની અંદર ઘણા લોકો હાજર હતા, આ દૂર્ઘટનામાં ત્રણ યુવાનોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં રાહુલ રામકુમાર (ઉ.વ. 24), વિશાલ સંદીપકુમાર (ઉ.વ. 25) અને વિકાસ રાજબલનું મૃત્યું થયું છે. આ દૂર્ઘટનાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો બ્લોક કરી દીધો છે. ગામલોકોનો આરોપ છે કે અકસ્માતમાં ત્રણ હિન્દુ યુવાનોના મોત થયા છે, જ્યારે મુસ્લિમ યુવાનો પણ ત્યાં કામ કરી રહ્યા હતા. તેને કેમ કંઈ ન થયું? પોલીસ અને વહીવટી અધિકારીઓ ગ્રામજનોને સમજાવવામાં વ્યસ્ત છે. હાઇવે પર ઘણા કિલોમીટર લાંબો જામ છે.
વિસ્ફોટની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ, ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર ઘટનાના કારણોની તપાસ કરી રહ્યું છે. ડીએમ મનીષ બંસલએ જણાવ્યું હતું કે, આ ફેક્ટરીને ફટાકડા બનાવવા માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે. હવે તપાસ કરવામાં આવી રહી છે કે કયા પ્રકારના ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. હાલમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમની પોલીસ પૂછપરછ કરી રહી છે.