બ્લાસ્ટ કેસઃ કાર 10 દિવસ સુધી અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરાઈ હતી, વિદેશી કનેક્શનની તપાસ ચાલુ
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્લીમાં સોમવારે થયેલા બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. દેશભરના વિવિધ રાજ્યોમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 18થી વધુ લોકોની પોલીસ અટકાયત કરી છે. માહિતી પ્રમાણે, બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી આઈ20 કાર છેલ્લા 10 દિવસથી અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલી હતી. આ કાર ડૉ. મુઝંમિલની સ્વિફ્ટ કારની બાજુમાં ઊભી હતી, જે ડૉ. શાહીનના નામે રજિસ્ટર્ડ છે. શંકા છે કે 29 ઑક્ટોબરથી 10 નવેમ્બર સુધી કાર ત્યાં જ પાર્ક રહી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, 29 ઑક્ટોબરે જ આ કાર ખરીદવામાં આવી હતી અને તે દિવસે જ પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ માટે બહાર લઈ જવામાં આવી હતી. CCTV ફૂટેજમાં ત્રણ લોકો જોવા મળ્યા છે. 10 નવેમ્બરની સવારે ડૉ. ઉમર આ કારને યુનિવર્સિટીમાંથી બહાર લઈ ગયો હતો. તપાસમાં ખુલ્યું છે કે, બ્લાસ્ટ પહેલાં કાર મયુર વિહાર અને કનૉટ પ્લેસ જેવા મહત્વપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી હતી. બનાવના દિવસે બપોરે અઢી વાગ્યે કાર કનૉટ પ્લેસ પહોંચી હતી અને થોડી જ વારમાં ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ આ કારને ચાંદની ચોકની સુનેહરી મસ્જિદની પાર્કિંગમાં ઉભી રાખવામાં આવી હતી.
ડૉ. મુઝંમિલની પૂછપરછ દરમિયાન એજન્સીઓને મોટો ખુલાસો થયો છે કે ડૉ. મુઝંમિલ અને ડૉ. ઉમરે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લાલ કિલ્લાની રેકી કરી હતી. ફોનના ડમ્પ ડેટામાંથી મળેલી માહિતી મુજબ, 26 જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લાને ટારગેટ કરવાની તેમની યોજના હતી. ફોરેન્સિક તપાસમાં ખુલ્યું છે કે બ્લાસ્ટમાં અમોનિયમ નાઇટ્રેટ સાથે હાઇ-ગ્રેડ મિલિટરી એક્સપ્લોસિવનો ઉપયોગ થયો હતો. તપાસ એજન્સીઓ હવે વિદેશી કનેક્શન અને હેન્ડલર સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે.