હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપા કવતરુ ઘડીને જીતીઃ અરવિંદ કેજરિવાલ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. આ પહેલા દિલ્હીમાં રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનરે ભાજપ પર આકરા પ્રહાર કર્યો છે. એક્સ પર પોસ્ટ કરીને કેજરીવાલે ભાજપ પર લોકોના મત કાપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની જીતને પણ કાવતરું ગણાવ્યું છે. એક્સ પર કરવામાં આવેલી પોસ્ટમાં અરવિંદ કેજરીવાલે પણ આ મામલે મોટો ખુલાસો કરવાની વાત કરી છે.
અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, "દિલ્હીમાં, ભાજપ મોટા પાયે લોકોના મત કાપવાનો પ્રયાસ કરતા રંગેહાથ ઝડપાઈ હતી. ભાજપે હજારો મતદારોના મત કાપવા માટે અરજી દાખલ કરી હતી. હું ટૂંક સમયમાં જ એક અરજી કરીશ. આ લોકો હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રીતે જીતે છે? ભાજપાવાળા દિલ્હીમાં તમારુ કાવતરુ સફળ નહીં થવા દઈએ. જો કે અરવિંદ કેજરીવાલની આ પોસ્ટ બાદ ભાજપ તરફથી હાલમાં કોઈ નિવેદન આવ્યું નથી.
તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપે હરિયાણામાં પોતાની જીત સુનિશ્ચિત કરી હતી, તો મહારાષ્ટ્રમાં પણ પાર્ટી મહા વિકાસ અઘાડીના મજબૂત ગઠબંધનને હરાવવામાં સફળ રહી હતી.
દિલ્હીમાં 2020ની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીએ દિલ્હીમાં 63 વિધાનસભા બેઠકો જીતી હતી. જ્યારે, ભાજપના માત્ર 7 બેઠકો પર સફળતા મળી હતી. જો કે આ પછી અરવિંદ કેજરીવાલ પર લીકર કૌભાંડનો આરોપ લાગ્યો અને જેલમાંથી છૂટ્યા બાદ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.