BJPના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે અંબાજીમાં દર્શન કરી ગુજરાત ભ્રમણનો પ્રારંભ કર્યો
- પાલનપુરના નવાગંજથી ચડોતર સુધી ભાજપના કાર્યકર્તાઓની બાઈક રેલી,
- વિશ્વકર્માએ સવારે અંબાજી માતાજીના દર્શન કર્યા,
- વિશ્વકર્માના ગુજરાત ભ્રમણ દરમિયાન 6 જેટલાં મહાસંમેલન યોજાશે
અંબાજીઃ ગુજરાત ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સંગઠનને સક્રિય કરવા માટે આજથી ગુજરાત ભ્રમણનો પ્રારંભ કર્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના દર્શન કરીને વિશ્વકર્માએ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અને તા. 17મી ઓક્ટોબર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જઈને કાર્યકર્તાઓને સક્રિય કરશે.આ પ્રવાસ દરમિયાન વિશ્વકર્મા 6 જેટલાં મહાસંમેલન યોજીને કાર્યકર્તાઓને સંબોધન કરશે અને સંગઠનના માળખાને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરશે.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરીને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. તેમણે સવારે અંબાજીમાં દર્શન કર્યાં હતા. નવા પ્રદેશ પ્રમુખનું અંબાજીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખે ફૂલહારને બદલે વિદ્યાભ્યાસનાં ચોપડા-પુસ્તકો સ્વીકારવાની નવી પહેલ કરી છે, જે જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે. અંબાજીથી પાલનપુરના ચડોતર સ્થિત ભાજપ કાર્યાલયે જગદીશ વિશ્વકર્મા પહોંચતાં પાલનપુરના નવાગંજથી ચડોતર સુધી બાઈક રેલી યોજાઇ હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે રાષ્ટ્રિય વિચારધારા પર પણ ભાર મૂક્યો. તેમણે સ્વદેશી વસ્તુઓ અંગે વાત કરી અને દુકાનદારોને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે વિનંતી કરી હતી. આજે ઉત્તર ગુજરાતના પ્રવાસ બાદ આવતીકાલથી વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસે જશે.
યાત્રાધામ અંબાજીમાં ઉષ્માભર્યા સ્વાગત બાદ, પ્રદેશ પ્રમુખ જગતજનની અંબાના મંદિર પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમણે ધાર્મિક વિધિઓ સાથે પૂજા-અર્ચના કરી હતી. સૌપ્રથમ તેમણે માતાજીના દર્શન કર્યા અને ત્યાર બાદ ગણપતિ દાદાના પણ દર્શન કર્યા હતા.ત્યારબાદમાતાજીની ગાદી પર જઈને પરંપરા મુજબ ભટજી મહારાજ પાસેથી આશીર્વાદ પણ મેળવ્યા હતા. ધાર્મિક કાર્યક્રમમાં આગળ વધતાં, જગદીશ વિશ્વકર્મા મંદિરના ચાચર ચોકમાં આવેલી યજ્ઞશાળામાં આયોજિત પૂજા વિધિમાં પણ સહભાગી થયા હતા. જગદીશ વિશ્વકર્માનું 51 શક્તિપીઠ સર્કલ પર ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખનું સ્વાગત ઢોલ-નગારાના ગુંજ સાથે કરવામાં આવ્યું હતું.