For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાજપે પાલિકાની ચૂંટણીમાં ખેલ પાડ્યો, બોટાદની-4, વાંકાનેરની 7 બેઠકો બિનહરિફ મેળવી

05:02 PM Feb 02, 2025 IST | revoi editor
ભાજપે પાલિકાની ચૂંટણીમાં ખેલ પાડ્યો  બોટાદની 4  વાંકાનેરની 7 બેઠકો બિનહરિફ મેળવી
Advertisement
  • ભાજપના ઉમેદવારો સામે કોઈએ ફોર્મ જ ન ભર્યું
  • કોંગ્રેસનું ચૂંટણી મેનેજમેન્ટ નિષ્ફળ રહ્યું
  • હાલોલમાં ભાજપે ત્રણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી

અમદાવાદઃ ગુજરાતમાં જુનાગઢ મહાનગરપાલિકા અને 67 નગરપાલિકાની ચૂંટણી તેમજ ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણી અને કેટલીક બેઠકોની પેટા ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કર્યા બાદ ભાજપ કોંગ્રેસ સહિત પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. આ ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અનેક જગ્યાએ રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. જેમાં બોટાદમાં વોર્ડ નં.7માં ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઇએ ફોર્મ ન ભરતા ચારેય બેઠકો બીન હરિફ થઈ છે. જ્યારે હાલોલમાં ભાજપે ત્રણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી ભાજપમાંથી દાવેદારી કરનારાઓને ચોંકાવી દીધા છે. વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં પણ  28 પૈકી સાત બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. બીજી તરફ કુતિયાણામાં ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ ઉમેદવારી કરી નવી રાજકીય ચર્ચાઓ જગાવી છે.

Advertisement

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ચૂંટણી મેનેજમેન્ટમાં નિષ્ફળ ગઈ છે કારણ કે, કોઈ ઉમેદવારો ઊભા ન રાખતા બોટાદની ચાર અને વાંકાનેરની સાત બેઠકો ભાજપે બીન હરીફ મેળવી છે. બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ વોર્ડમાં ભાજપના ઉમેદવારો સામે કોઈપણ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોવાથી મતદાન પહેલાં જ ભાજપને વિજય મળ્યો છે. બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોમાં સહદેવસિંહ ભાવસિંહ ચૌહાણ, રૂપલબેન સંદીપભાઈ જોશી, ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ જોટાણીયા અને અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ ખસીયાનો સમાવેશ થાય છે. નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી આ ચાર બેઠકો ભાજપે મતદાન પહેલાં જ પોતાના નામે કરી લીધી છે

જ્યારે વાંકાનેર નગરપાલિકામાં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે, જ્યાં કુલ 28 બેઠકો પૈકી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં વોર્ડ નંબર 1ના તમામ 4 ભાજપના ઉમેદવારો સામે કોઇએ પણ ઉમેદવારી નથી નોંધાવી તેમજ વોર્ડ નંબર 5માં પણ ત્રણ સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી. આગામી દિવસોમાં ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન વધુ બેથી ત્રણ ભાજપના ઉમેદવારો બિનહરિફ થાય તેવી ચર્ચાઓ વાંકેનરમાં ચાલી રહી છે. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ચાર ઉમેદવારો અને વોર્ડ નંબર 5માં ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. વાંકાનેર પાલિકાની કુલ 28 બેઠકો માટે 53 ઉમેદવારી પત્રો નોંધાયા છે. વોર્ડવાર જોઈએ તો વોર્ડ નંબર 1માં 4, વોર્ડ 2માં 10, વોર્ડ 3માં 8, વોર્ડ 4માં 10, વોર્ડ 5માં 5, વોર્ડ 6માં 8 અને વોર્ડ 7માં 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

Advertisement

પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. વર્તમાન ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે સમાજવાદી પાર્ટી તરફથી કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નં 6 માટે 24 ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી છે. જાડેજા પરિવારનો રાજકીય ઇતિહાસ 1990ના દાયકાથી શરૂ થયો, જ્યારે સ્વ. સંતોકબેન જાડેજા જનતા દળમાંથી કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ત્યાર બાદ સ્વ. ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજા 1995થી 1998 દરમિયાન સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા. કાંધલ જાડેજાએ 2012માં એનસીપીમાંથી રાજકીય સફર શરૂ કરી, 2017માં પુન: એનસીપીથી અને 2022માં સમાજવાદી પાર્ટીમાંથી વિજય મેળવ્યો. કાના જાડેજાએ ઉમેદવારી નોંધાવતી વખતે સ્પષ્ટ કર્યું કે, તેમનો ઉદ્દેશ કુતિયાણાનો વિકાસ છે. તેમણે જણાવ્યું કે, "સરકાર સાથે કોઈ વાંધો નથી, પરંતુ કુતિયાણાનો અપેક્ષિત વિકાસ થયો નથી." ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ધારાસભ્ય કાંધલ જાડેજા અને પરિવારના મોભી હિરલબા જાડેજા પણ હાજર રહ્યા હતા. કાના જાડેજાના રાજકીય પ્રવેશથી સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

Advertisement
Tags :
Advertisement