વડોદરામાં સ્મશાન ગૃહોના ખાનગીકરણ સામે ભાજપના ધારાસભ્યએ પણ વિરોધ કર્યો
- ધારાસભ્ય યોગેશ પટેલે આઉટસોર્સિંગ મુદ્દે પુનઃ વિચારણા કરવા માગ કરી,
- ભાજપ શાસિત મ્યુનિના નિર્ણયથી પક્ષની છબીને નુકસાન થવાની ભીતી,
- ધારાસભ્યએ ઠરાવનો અમલ સ્થગિત કરવા મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો
વડોદરાઃ શહેરમાં તમામ 31 સ્મશાન ગૃહોનો વહિવટ આઉટસોર્સથી ખાનગી એજન્સીઓને સોંપવા સામે વિરોધ વધી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદન આપીને રજુઆત કરવામાં આવી હતી. શહેરના નાગરિકોમાં પણ ખાનગીકરણ મુદ્દે વિરોધ કરાયો છે. ત્યારે આ વિવાદમાં હવે ભાજપના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પણ ઝંપલાવ્યું છે. સ્મશાનોની કામગીરી આઉટ સોર્સિંગથી વિવિધ સંસ્થાઓ પાસે કરાવવા માટે થયેલા ઠરાવ પર પુનઃ વિચારણા કરવા અને ઠરાવનો અમલ સ્થગિત કરવા ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુ. કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે.
ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, શહેરના સ્મશાન ગૃહોની કામગીરી આઉટસોર્સિંગથી સંસ્થાઓ પાસે કરાવવા બાબતની દરખાસ્ત તત્કાલીન મ્યુનિ. કમિશનર દ્વારા નવેમ્બર-2024ના રોજ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રજૂ કરાઈ હતી. 2 વર્ષ માટે આ કામગીરી કરાવવાની અને કામગીરી સારી થાય તો વધુ એક વર્ષ આ જ સંસ્થાઓ પાસે કામગીરી કરાવવાની ભલામણ કરાઈ હતી. જેને માર્ચ-2025માં મંજૂરી અપાઈ હતી અને તેનો અમલ બે દિવસ પૂર્વે એટલે કે ઠરાવ થયાના 3 મહિના પછી કરવામાં આવ્યો છે. આ ઠરાવનો અમલ થતાં જ લોકોમાં ઘણી ગેરસમજો ઊભી થઈ છે અને ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ આજે સ્મશાનોનું કામ સારી રીતે કરી રહી છે, ત્યારે આઉટસોર્સિંગથી કામગીરી કેમ કરાવવી તે અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા છે.
ધારાસભ્યના કહેવા મુજબ સામાન્ય રીતે મૃત્યુ પછી કરાતી ક્રિયા સાથે નાગરિકોની ખૂબ જ અંગત લાગણી જોડાયેલી હોય છે. જેમાં ફેરફાર થાય તો નાગરિકોની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. સ્વાભાવિક રીતે ભાજપનું શાસન પાલિકામાં હોવાથી તેના દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી પક્ષની છબીને નુકસાન થઈ રહ્યું છે. તેઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક ચર્ચા કરીને ઠરાવનો અમલ સ્થગિત કરવા માટે જણાવ્યું છે. નોંધનીય છે કે, પાલિકાએ ખાનગી એજન્સીને સ્મશાનનો વહીવટ સોંપ્યાના પ્રથમ દિવસે જ અરાજકતા જોવા મળી હતી.