ભાજપએ શહેર-જિલ્લાના નવા પ્રમુખોની પસંદગી માટે નિયમો બનાવ્યા
- જિલ્લા કે શહેર પ્રમુખ માટે 3 વર્ષ સક્રિય સભ્ય હોવુ જરૂરી
- પ્રમખ બનવા માટે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ
- કમૂર્તા ઉતર્યા બાદ ઉત્તરાણ પછી નવા પ્રમુખોની જાહેરાત કરાશે
ગાંધીનગરઃ ભારતીય જનતા પક્ષમાં વોર્ડ પ્રમુખોની જેમ હવે શહેર અને જિલ્લાના પ્રમુખો માટે પસંદગી પ્રકિયા ચાલી રહી છે. આ વખતે પ્રમુખોની પસંદગી માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછાં 3 વખત સક્રિય સભ્ય હોવુ જરૂરી છે. તેમજ 60 વર્ષથી વધુ વય મર્યાદા હશે તો પ્રમુખ તરીકેની નિમણૂંક કરી શકાશે નહીં. ઉપરાંત નાણાકીય કે અન્ય કોઈ વિવાદમાં નાં હોય તેવા ને જ પ્રમુખપદનું સ્થાન મળશે. આમ ભાજપ દ્વારા શહેર-જિલ્લાના પ્રમુખોની પસંદગી માટે ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.
પ્રદેશ ભાજપ હાલ નવું સંગઠન બનાવવાના કામમાં લાગ્યું છે.તાજેતરમાં જ ગુજરાત ભાજપ દ્વારા બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે મહાનગર અને જિલ્લા પ્રમુખોનો વારો છે. ત્યારે આ મામલે 50 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ હાથ ધરાશે. ભાજપમાં તાજેતરમાં જ 50 હજાર જેટલી બૂથ કમિટીઓ અને 580 માંથી 512 મંડળ પર પ્રમુખોની જાહેરાત કરી હતી. હવે ભાજપ નવી નિમણૂંકોમાં બીજા તબક્કામાં આવી ગયુ છે. જેમાં 41 જિલ્લા-મહાનગરોના પ્રમુખ માટે પ્રોસેસ શરૂ થવા જઈ રહી છે. આ પ્રોસેસ આજથી એટલે કે 3જી જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પ્રમુખ બનવા માંગતા કાર્યકર સ્વૈચ્છાએ પોતાની દાવેદારી કરી શકે છે.
શહેર -જિલ્લા ભાજપના પ્રમુખો માટે ભાજપે કેટલાક ધારાધોરણ નક્કી કરેલા છે. ઈચ્છુક દાવેદાર ફોર્મ ભરે તે બાદ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. નિરીક્ષકો જિલ્લા, મહાનગરોમાં જઈને ત્યાંના સ્થાનિક કાર્યકરો સાથે રુબરુમાં ચર્ચાવિચારણા કરશે. જેઓએ ફોર્મ ભર્યા હશે તેમના અંગે મત લેવાનો પ્રયાસ કરશે. ત્યારબાદ પ્રદેશ મોવડીમંડળ દ્વારા જિલ્લા અને મહાનગરોની મુલાકાત લઈને પ્રમુખોના નામને આખરી ઓપ આપવામાં આવશે. આમ, આ પ્રોસેસ પૂરી થયા બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા નિરીક્ષકો દ્વારા હાથ ધરવામા આવશે. હાલ ભાજપે ઉત્તરાયણ સુધીની ગણતરી માંડી છે. ઉત્તરાયણ બાદ આ તમામ કાર્યવાહી પૂરી કરીને આગળની દિશામાં કામ હાથ ધરાશે.
સૂત્રોના કહેવા મુજબ જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહમાં રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થાય તે પહેલા ભાજપના 50 ટકા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવશે જેમાં કમૂર્તા પૂર્ણ થયા બાદ ઉત્તરાણ પછી જાહેરાત કરવામાં આવશે.