મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે આજે મહાયુતિની નવી સરકાર બની છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત નવી સરકારમાં ફરીથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. શિસવેનાના પ્રમુખ એકનાથ શિંદે અને એનસીપીના પ્રમુખ અજીત પવારએ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણએ ત્રણેય નેતાઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતા. આમ દેવેન્દ્ર ફડણવીસએ ત્રીજી વાર મુખ્યમંત્રી તરીકે મહારાષ્ટ્રની કમાન સંભાળી છે. પહેલાની સરકારમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના નેતા અજીત પવાર નાયબ મુખ્યમંત્રી હતી. હવે સરકારમાં નેતૃત્વ બદલાયું છે.
મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કેટલાક કેન્દ્રીય મંત્રી, મહાયુતિના અનેક નેતાઓ, કેટલાક રાજ્યના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા. નારાજગીની અટકળો વચ્ચે અંતિમ સમયે એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારીને શપથ લીધા હતા. દેવેન્દ્ર ફડણવીસને બુધવારે સર્વસમ્મતિથી ભાજપાના ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા. જે બાદ મહાયુતિ ગઠબંધનનું એક પ્રતિનિધિ મંડળ રાજભવન ગયું હતું અને રાજ્યપાલને સરકાર રચવાનો દાવો કર્યો હતો. વિધાનભવનમાં આયોજીત ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, દેવેન્દ્ર ફડણવીસ સર્વસમ્મતિથી ભાજપા ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયાં છે.
મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં 20મી નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. જ્યારે 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મહાયુતિ ગઠબંધનનો રાજ્યની કુલ 299 બેઠકો પૈકી 230 બેઠકો ઉપર વિજ્ય થયો હતો. શિવસેના (શિંદે)ને 57, એનસીપી (અજીત પવાર) 41 બેઠકો ઉપર જીત થઈ હતી. જ્યારે ભાજપાનો સૌથી વધારે બેઠકો ઉપર વિજય થયો હતો. જ્યારે વિપક્ષી એનવીએને કુલ 46 બેઠકો મળી છે.