ઠાકોર સમાજના નેતાઓને ભાજપે નખ વગરના સિંહ બનાવી દીધા છેઃ કોંગ્રેસના નેતાનો આક્ષેપ
- પાટણમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું
- સમાજની વાતો કરનારા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ મૌન બની જતા હોવાનો આક્ષેપ
- ઠાકોર સમાજના પ્રશ્નો કેમ ઉકેલાતા નથી
પાટણઃ શહેરમાં ઉત્તર ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતુ. આ સંમેલનમાં ઠાકોર સમાજના કોંગ્રેસના નેતાઓએ સમાજના પ્રશ્નો ન ઉકેલાતા ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર કહ્યુ હતું કે, ભાજપે ઠાકોર સમાજના નેતાઓને નખ વગર સિંહ બનાવી વાડામાં પુરવાનું કામ કર્યું છે
પાટણમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. સમાજમાં નવી દિશા અને નવા આયોજન માટે સમાજના અગ્રણીઓ એકઠાં થયા હતા. ભાજપ સાથે જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર બળદેવજી ઠાકોરે નિશાન સાધ્યું હતું. સમાજની વાતો કરનારા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ મૌન બની જાય છે. ઠાકોર સમાજના નેતાઓને નખ વિનાના સિંહ બનાવી ભાજપે વાડામાં પુરી દીધા છે.
પાટણ યુનિવર્સિટીના રંગ ભવન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું જેમાં કોંગ્રેસના અમિત ચાવડા, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી બળદેવજી ઠાકોર સહિતના ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં મહાનુભાવો એ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા વ્યસન મુક્તિ ને દૂર કરી યુવા યુવતીઓને ફરજિયાત પણે શિક્ષણ આપવું, ખોટા ખર્ચાઓ દૂર કરવા સહિતના અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી હતી.
આ સંમેલનમાં ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો તેમજ મંત્રીઓને પાવર વગરના પ્રધાન જ કહેવાય. ઠાકોર સમાજની સરકાર પાસે જે માંગણીઓ કરેલી છે તે ભાજપમાં રહેલા ઠાકોર સમાજના નેતાઓ માંગણીઓ પુરી કરાવશે તો અમે તેમનો પણ આભાર માનીશું. ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપમા રહેલા ઠાકોર સમાજના નેતાઓ પર પ્રહાર કરાયા હતા. ગેનીબેને કહ્યું હતું કે, ઠાકોર સમાજના રાજકીય, સામાજિક, આર્થિક તેમજ શૈક્ષણિક રીતે જે લાભ સમાજને મળવો જોઈએ તે નથી મળતો.